માતાની નજર સામે 5 વર્ષનું બાળક ડમ્પર નીચે કચડાયું, ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક્ટિવા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયા એક માસુમ બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે બાળકની માતા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. જો કે, અકસ્માતની ઘટનાની જાણ થતા અમદાવાદ શહેર પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી સહજાનંદ કોલેજ નજીક એક એક્ટિવા અને એએમસીના ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મહિલા તેના દીકરાને સ્કૂલે મુકવા જઈ રહી હતી તે દરમિયાન ડમ્પરે એક્ટિવાને એડફેટે લીધું હતું. જેમાં 5 વર્ષના બાળક દેહર ભટ્ટનું મોત થયું છે. જ્યારે ઇજાગ્રસ્ત માતાને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાઈ હતી.

કરમની કઠણાઈ તો જુઓ એક માતાની નજર સામે તેના 5 વર્ષના બાળકનું કચડાઈ જવાથી મોત થાય છે. જો કે, અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પર ડમ્પર મુકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે ઘટનાની જાણ થતા અમદાવાદ શહેર પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, દેહર ભટ્ટ આંબાવાડીની અમૃત જ્યોતિ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જુનિયર કેજીમાં ભણતો દેહર ભટ્ટ માતા સુરભીની નજર સામે ડમ્પર નીચે કચડાઈ ગયો હતો. ત્યારે બાળકનો આગામી 1 જૂને જન્મદિવસ હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.