મિશિગન, યુએસએની એક હાઈસ્કૂલમાં એક 15 વર્ષીય વિદ્યાર્થીએ અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં ત્રણ વિદ્યાર્થીઓનાં ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય આઠ વિદ્યાર્થીઓ ઘાયલ હોવાનું કહેવાય છે. આ હુમલા બાદ ફાયરિંગ કરનાર વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ ઓફિસ અનુસાર, હુમલામાં સામેલ શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી એક પિસ્તોલ મળી આવી છે. શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે તેઓને લાગતું નથી કે આ ઘટનામાં એક કરતાં વધુ વ્યક્તિ સામેલ છે.
ઓકલેન્ડ કાઉન્ટીનાં અંડરશેરીફ માઈકલ જી. મેકકેબે મીડિયાને જણાવ્યું હતું કે, હુમલામાં માર્યા ગયેલા ત્રણ વિદ્યાર્થીઓમાં એક 16 વર્ષનો છોકરો, એક 17 વર્ષનો અને એક 14 વર્ષની છોકરીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે શિક્ષક સહિત આઠ અન્ય લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી બે લોકોનું ઓપરેશન ચાલી રહ્યું છે, જ્યારે અન્ય છની હાલત સ્થિર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોર વિદ્યાર્થી પાસેથી પિસ્તોલ મળી આવી છે, જ્યારે અધિકારીઓને સ્કૂલમાંથી ખાલી કારતુસ પણ મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પાગલ વિદ્યાર્થીએ લગભગ 15-20 રાઉન્ડ સુધી અંધાધૂંધ ફાયરિંગ કર્યું. તેણે બોડી આર્મર પણ પહેર્યું ન હોતું. સ્થાનિક પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં તે એકલો જ સામેલ હતો. તેણે આ નિર્દોષ લોકો પર શા માટે ગોળીબાર કર્યો, તેનો હજુ ખુલાસો થયો નથી. આ મામલે તપાસ ચાલુ છે.
બીજી તરફ આ ઘટના બાદ શાળાનાં તમામ વિદ્યાર્થીઓને તેમના પરિવારજનો સાથે નજીકનાં સ્ટોરમાં રાખવામાં આવ્યા છે. રોચેસ્ટર હિલ્સ ફાયર ડિપાર્ટમેન્ટનાં જાહેર માહિતી અધિકારીનાં જણાવ્યા અનુસાર, લગભગ 25 એજન્સીઓ અને લગભગ 60 એમ્બ્યુલન્સે ઘટના પછી તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી હતી અને પીડિતોનાં પરિવારોને જાણ કરવામાં આવી હતી. ઓકલેન્ડ કાઉન્ટીનાં અંડરશેરિફ મેકકેબે જણાવ્યું હતું કે હુમલામાં માર્યા ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ હુમલાખોરનાં નિશાન હતા કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.