ગ્રાઉન્ડ ફલોરની દુકાનો કરતાં પ્રથમ માળની દુકાનોના જંત્રીદર 40 ટકા ઉંચા કરી દેવાયાં
જંત્રી દરના વધારામાં હાલ ઘણા ગોટાળા અને વિસંગતતા માલુમ પડી રહી છે
4 માળથી ઉપરના ફલેટનાં જંત્રીદર વધી ગયા ભારે ઉહાપોહને થતાં તાકીદની બેઠક બોલાવી
ગરવી તાકાત, ગાંધીનગર તા. 10- ગુજરાતમાં મિલ્કત જંત્રીદરમાં 100 ટકાના વધારા સામે ગ્રાહકોથી માંડીને બીલ્ડરો સુધી તમામ વર્ગોમાં વિરોધ અને ઉહાપોહ છે. ત્યારે આ કદમથી કેટલીક અસામાન્ય સ્થિતિ-છબરડા પણ સર્જાયા છે જે સુધારવા માટે આજે બેઠક બોલાવવામાં આવી છે.બીન ખેતી કરતા પણ કૃષિ જમીનની જંત્રી વધી ગઈ તેવા કિસ્સા ખુલ્યા છે. મહેસુલ વિભાગ તથા સ્ટેમ્પ ડયુટી વિભાગનાં સુત્રોએ કહ્યું કે કેટલાંક કિસ્સામાં બાંધકામ પ્રોપર્ટી તથા ફલેટ-દુકાનનાં જંત્રીદર એક સમાન થઈ ગયા છે. વાસ્વમાં તેમાં તફાવત હોવો જોઈએ. આજ રીતે કેટલાંક ગામડાઓમાં બીનખેતી કરતા કૃષિ જમીનની જંત્રી વધી ગઈ છે. 
આવા જ અન્ય કિસ્સામાં અમદાવાદનાં 6 ફૂટના રોડ પરના પ્લોટનો જંત્રીદર આ વિસ્તારનાં કોમર્સીયલ રેટ કરતા પણ 30 ટકા વધી ગયો છે. બિલ્ડર સંગઠન દ્વારા તો જંત્રીદરના વધારાનો વિરોધ કરવાની સાથોસાથ વિવિધ મુદાઓ પર સરકારનું ધ્યાન દોર્યું છે.ઉપરાંત મહેસુલ વિભાગના અધિકારીઓએ પણ રહેણાંક, કોમર્સીયલ, તથા ઔદ્યોગીક જંત્રી મામલે ચોખવટની માંગ ઉઠાવી છે.
હાલ ઘણા ગોટાળા અને વિસંગતતા માલુમ પડી રહી છે. કેટલાક એવા કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે જેમાં ગ્રાઉન્ડ ફલોરની દુકાનો કરતાં પ્રથમ માળની દુકાનોના જંત્રીદર 40 ટકા ઉંચા થયા છે. આજ રીતે ચાર માળ પછીના માળનાં ફલેટના જંત્રીદર 10 ટકા વધુ થયા છે. મહેસુલ વિભાગનાં એક સીનીયર અધિકારી નામ નહિં દેવાની શરતે કોઈપણ જાતની વાસ્તવિકતાની ચકાસણી કર્યા વિના જંત્રીદરમાં સીધા 100 ટકાના વધારાથી અનેક વિસંગતતાઓ સર્જાઈ છે અને તે સુધારવાનું અનિવાર્ય છે.
સબ-રજીસ્ટ્રાર કચેરીના અધિકારીઓ પણ શહેરો-નગરપાલીકા વિસ્તારોનાં નવા જંત્રીદર નકકી કરતા પૂર્વે વિસ્તૃત રીસર્વે કરાવવાનો જ દુર દર્શાવી રહ્યા છે. માત્ર અમદાવાદ જ નહિં રાજકોટ સહીતનાં મહાનગરોમાં 2011 પછી અનેક નવા વિસ્તારો વિકસ્યા છે અને ત્યાં જમીન પ્રોપર્ટીની કિંમત ઘણી વધુ છે ત્યાના જંત્રીદર નોંધપાત્ર અમલમાં વધારી શકાય તેમ છે. અમદાવાદમાં જંત્રીદર સંબંધી, અનેકવિધ ગોટાળાને પગલે આજે સંબંધીત પક્ષકારો, સબ-રજીસ્ટ્રાર તથા મહેસુલ વિભાગના અધિકારીઓની બેઠક યોજવામાં આવી છે. વાંધા-સુચનોનો રીપોર્ટ સ્ટેમ્પ ડયુટી સુપ્રિન્ટેન્ડન્ટને સોંપવામાં આવશે. રીયલ એસ્ટેટ વિભાગનાં સુત્રોએ કહ્યું કે રાજયનાં અનેક ભાગોમાં આવા ગોટાળા છે અને તે રીસર્વેનાં આધારે જ સુધરી શકે છે.


