મહેસાણા જિલ્‍લામાં છેલ્લા બે વર્ષમાં શાકભાજી પાકોના વાવેતર કરનાર 793 લાભાર્થીઓને રૂ. 1.76 કરોડથીની સહાય ચૂકવી 

શેર કરવા અહીં ક્લિક કરો.

શાકભાજી પાકોમાં વાવેતર માટેની સહાય સંદર્ભે ટ્રેલીઝ મંડપ યોજના હેઠળ ખેડૂતોને સહાય ચૂકવાઇ

ગરવી તાકાત, મહેસાણા તા. 06 – શાકભાજી પાકોમાં વાવેતર માટેની સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં શાકભાજી પાકોનું વાવેતર મોટા ભાગે ખેડુતો દ્વારા પરંપરાગત રીતે જમીન પર વેલા ફેલાવા દઇ કરવામાં આવતું હતું.

        આ પરંપરાગત રીતે કરવામાં આવતી ખેતીમાં સારી ગુણવત્તાવાળા શાકભાજીના ફળ મળતા ન હતા. તેમજ વધુ પડતી ગરમી, ઠંડી અને વરસાદના સમયમાં શાકભાજીના ફળ પોચા પડી જતા અથવા તો બગડી જતા હતા. જેથી રાજ્ય સરકાર દ્રારા વર્ષ ૨૦૧૨-૧૩થી શાકભાજી પાકોમાં ટ્રેલીઝ મંડપ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. મહેસાણા જિલ્‍લામાં તા.૩૧/૧૨/૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં શાકભાજી પાકોના વાવેતરમાં ટ્રેલીઝ મંડપ યોજના હેઠળ ૭૯૩ લાભાર્થીઓને રૂ.૧.૭૬ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

       શાકભાજી પાકોના વાવેતર માટે ટ્રેલીઝ મંડપ માટેની સહાયના ધોરણ અંગે ગૃહમાં પૂછાયેલા પૂરક પ્રશ્નની વિસ્તૃત માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, ટ્રેલીઝ મંડપ કાચા મંડપ, અર્ધ પાકા મંડપ અને પાકા મંડપ એમ ત્રણ પ્રકારે બનાવવામાં આવે છે. ટ્રેલીઝ મંડપ યોજના હેઠળ સામાન્‍ય ખેડુતને ૫૦ ટકા મુજબ કાચા મંડપમાં મહત્તમ રૂ.૨૬ હજાર પ્રતિ હેકટર, અર્ધ પાકા મંડપમાં રૂ.૪૦ હજાર પ્રતિ હેકટર અને  પાકા મંડપમાં રૂ.૮૦ હજાર પ્રતિ હેકટર સહાય ચુકવવામાં આવે છે.

            આ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લામાં અનુસૂચિત જાતિ અને મહિલા ખેડૂતોને ચૂકવાયેલી સહાય અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, મહેસાણા જિલ્લામાં આ યોજના અંતર્ગત ૨૮ અનુસુચિત જાતિના ખેડૂતોને રૂ.૯.૩૦ લાખ સહાય ચુકવવામાં આવી છે. તેવી જ રીતે ૬૦ મહિલા ખેડૂતોને રૂ.૧૨.૮૭ લાખની સહાય ચુકવવામાં આવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.