આજ રોજ બે અકસ્માતની ઘટના બની છે જેમાં આણંદના ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે જ્યારે 6થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે ગોધરાના સાલીયા ફાટક પાસે અકસ્માતમાં એકનું મોત થયું છે.આણંદના આંકલાવની ગંભીરા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ત્યારે આંકલાવની ગંભીરા ચોકડીએ અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યાં છે. ટેમ્પો અને ટ્રેકટર વચ્ચે અકસ્માતમા 7 લોકોના મોત થયા જ્યારે 6થી વધુ લોકોને ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતના પગલે આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. જ્યારે પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે જ્યારે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે. ગોધરાના સાલીયા ફાટક પાસે સંત રોડ પર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ જેતપુરથી મંડોર જઇ રહી હતી તે દરમિયાન ડ્રાઇવરને ઝોકું આવી જતા એસટી બસના ડ્રાઇવરે ટેન્કરને પાછળથી ટક્કર મારી હતી. જેમાં ટેન્કરમાં સવાર ક્લીનરનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. તો બસમાં સવાર મુસાફરો અને ડ્રાઇવરને સામાન્ય ઇજા પહોંચી છે. એસટી બસમાં 50થી વધુ મુસાફરો હતા. ત્યારે સદનસીબે તેમનો કઇ જાનહાની થઇ નથી.

Contribute Your Support by Sharing this News: