કડી પોલીસે ડ્રગ્સનું વેચાણ કરનાર શખ્સને તેના રહેણાંક મકાનમાંથી દબોચી લીધો
હવે નાના નાના શહેરોમાં પણ એમ.ડી ડ્રગ્સ જેવા કિમતી માદક પદાર્થનું દુષણ ફૂલ્યુંફાલ્યું
71.30 ગ્રામ ડ્રગ્સ જેની કિંમત 7.13 લાખથી પણ વધુ, કડી પોલીસની સફળ કામગીરી
ગરવી તાકાત, મહેસાણા તા. 07 – (Sohan Thakor) – એમ.ડી ડ્રગ્સ જેવા કેફી પદાર્થોનો વેપાર મોટા મોટા મહાનગરોમાં જ જોવા મળે છે પરંતુ હવે એમ.ડી ડ્રગ્સનું આ દુષણ હવે નાના નાના શહેરોમાં પણ પગપેસારો કરી રહ્યું હોય તેમ મહેસાણા જિલ્લામાં પણ હવે એમ.ડી ડ્રગ્સ જેવા કિમતી માદક પદાર્થોનું વેચાણ ચાલી રહ્યું છે. ઊંઝામાં તો આ અગાઉ અનેક વખત એમ.ડી ડ્રગ્સનું ચાલતાં વેચાણનો પર્દાફાશ કરાયો છે ત્યારે હવે કડીમાં પણ એમ.ડી ડ્રગ્સ જેવા કિમતી માદક પદાર્થોનું વેચાણ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. જેમાં કડી પોલીસની ટીમે કડીના કસ્બા છીપાવાડ વિસ્તારમાં એમ.ડી ડ્રગ્સનું વેચાણ કરતાં એક શખ્સને 7.13 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે દબોચી લઇ એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી તથા ના. પોલીસ અધિક્ષક આર.આઇ દેસાઇએ મહેસાણા જિલ્લામાં ચાલતાં કેફી માદક પદાર્થના ચાલતાં નેટવર્કને ડામી દેવા માટે આપેલા આદેશ મુજબ કડી પોલીસે કમરકસી માદક પદાર્થનું વેચાણ કરતાં શખ્સને દબોચી લીધો હતો. કડી પીઆઇ જે.પી.સોલંકી, પીએસઆઇ જે.એમ. ગેહલાવત, એ.હેકો. જશવંતભાઇ, પંકુલભાઇ, પોકો. ભરતભાઇ, સંજયસિંહ, જયેશભાઇ, ભરતભાઇ, કમલેશભાઇ, વનરાજસિંહ સહિતની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કે
કડી કસ્બા છીપાવાડમાં રહેતા ઇમરાનશા અનવરશા ફકીર પોતાના રહેણાંક મકાનના ઉપરના માળે નશીલા માદક પાવડરનું વેચાણ કરે છે અને હાલમાં આ પ્રવૃતિ ચાલું છે જે બાતમીના આધારે મહેસાણા કડી પોલીસની ટીમ ઇમરાનશા અનવરશા ફકીરના ઘરે દરોડો પાડી તપાસ હાથ ધરતાં મકાનના પ્રથમ માળેથી શંકાસ્પદ સફેદ પાવડર મળી આવ્યોં હતો. જે એફએસએલ અધિકારીને બોલાવી તપાસ કરાવતાં સફેદ કલરનો પાવડર મેફેડ્રોન (એમ.ડી ડ્રગ્સ) હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જેનું વજન કરતાં 71.30 ગ્રામ જેની કિંમત રુપિયા 7,13,500 નો જથ્થો મળી આવતાં આરોપી પાસેથી મોબાઇલ તથા એમ.ડી ડ્રગ્સનો જથ્થો કબજે કરી એન.ડી.પી.એસ એક્ટ 1985ની કલમ 8સી, રર સી મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધી હતી.
કડી પોલીસ ઝડપાયેલા શખ્સ પાસેથી તે એમ.ડી ડ્રગ્સનું કડી શહેરમાં કેટલા સમયથી વેચાણ કરતો હતો ? આ ડ્રગ્સનો જથ્થો આરોપી ક્યાંથી લાવતો હતો ? આ ડ્રગ્સના ચાલતાં નેટવર્કમાં કયા કયા શખ્સોની સંડોવણી છે ? કડીમાં ડ્રગ્સનો જથ્થો કયા કયા શખ્સોને પહોચાડવામાં આવતો હતો ? અત્યાર સુધી કેટલા રુપિયાના ડ્રગ્સનો વેપાર કર્યો છે ? સહિતના અનેક સવાલો દ્વારા સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાની કડી પોલીસ કોશિશ કરશે.