મહેસાણા જિલ્લાના બુટલેગરોમાં LCB પીઆઇ નીનામાનો ખોફ, 2.30 લાખનો દારુ ઝડપ્યોં
સાંથલની હદમાં આવતાં આંબલીયારા ગામે ઓરડીમાંથી વિદેશી દારુનો 2.30 લાખનો જથ્થો ઝડપાયો
બુટલેગર દારુનો જથ્થો સગેવગે કરે તે અગાઉ મહેસાણા એલસીબીની યમદૂત બની ત્રાટકી
બાવલુ પોલીસ મથકની હદમાં આવેલા આંબલીયારા ગામે સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં વિદેશી દારૂનો જથ્થો એક ઓરડીમાં સંતાડેલો છે અને જે વિદેશી દારૂનો વેપલો છૂટકમાં તેમજ રિટેલમાં ચાલી રહેલો છે જેવી હકીકત મહેસાણા એલસીબીને મળી હતી. એલસીબીએ ખાનગીમાં તેમજ પ્રાઇવેટ વાહનમાં પહોંચી ઘટનાસ્થળે રેડ કરતા એક ઈસમ ઝડપાયો હતો, જ્યારે દારૂનો જથ્થો જપ્ત કરી બે વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાના માર્ગદર્શન મુજબ મહેસાણા એલસીબી પી.આઇ એસ.એસ.નીનામાના સૂચના મુજબ પીએસઆઇ જે.એમ.ગેહલાવત, હેકો વિજયસિંહ, કિરણજી, લાલાજી, રમેશભાઇ, પીસી અજયસિંહ તથા સુભાષચંદ્ર સહિતની ટીમ કડી તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાઇવેટ વાહનમાં પ્રોહીબીશન લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
જે દરમિયાન સ્ટાફના માણસો કડીથી થોળ રોડ ઉપર જઈ રહ્યા હતા. ત્યારે રોડ ઉપર આવતા આંબલીયારા ગામ નજીક પહોંચતા હેકો. વિજયસિંહ તથા લાલાજીને ખાનગી રાહે માહિતી મળી હતી કે, શેડફાથી જાલોરા ગામ તરફ જતા રોડ ઉપર આવતા મિસરી ફાર્મ હાઉસની અંદર આવેલા એક ઓરડીમાં આંબલિયાલા ગામે રહેતો નિખિલ ઠાકોરે વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે અને ગેરકાયદેસર તેનો વેપલો કરી રહ્યો છે.
મહેસાણા એલસીબીએ માહિતીની ખરાઈ કરીને ફાર્મ હાઉસની અંદર રેડ કરતા ત્યાંથી એક ઈસમની અટક કરવામાં આવી હતી અને તેનું નામઠામ પૂછતાં કામતાપ્રસાદ સરોજ હોવાનું જણાવ્યું હતું. જે બાદ એલસીબીએ તપાસ કરતાં એક ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યાં અટક કરવામાં આવેલા ઈસમની કડક હાથે પૂછતાછ કરતા કબૂલ્યું હતું કે, આંબલીયારા ગામે રહેતા નિખિલ ઠાકોરે આ વિદેશી દારૂનો જથ્થો 5000 રૂપિયામાં રાખવા માટે આપ્યો હતો અને મંગળવારે સવારે એક લાલ કલરની ગાડીમાં આવી દારૂનો જથ્થો ઓરડીમાં મૂક્યો હતો. જેવી કબુલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
એલસીબીએ આંબલીયારા ગામની સીમમાં આવેલા મિસરી ફાર્મ હાઉસની ઓરડીમાંથી વિદેશી દારૂની અને બિયરના ટીન 49 પેટી (1248) કિંમત રૂપિયા 2 લાખ 30 હજાર 256 સહિત મુદ્દામાલ કબજે કરી બાવલુ પોલીસ મથકમાં બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ફરાર નિખિલ ઠાકોરની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.