ગાંધીનગરમાંથી સૌથી વધુ 17 ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાયા અને 14 રદ થયાં
ગુજરાતમાં બેઠક દીઠ સૌથી ઓછા-સરેરાશ 10 ઉમેદવારી ફોર્મ પરત લેવાયાં
ગરવી તાકાત, મહેસાણા તા. 30 – ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ટાએ પહોંચી રહ્યો છે. ત્યારે રાજયમાં દરેક લોકસભા દીઠ સરેરાશ દસ ઉમેદવાર રહ્યા છે અને 1998 પછીના સૌથી ઓછા ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે.2019 માં 371 ઉમેદવારો હતા તે આ વખતે 266 છે. ચૂંટણી પંચનાં રેકર્ડ પ્રમાણે 1996 ની ચૂંટણીમાં રાજયમાં સૌથી વધુ 577 ઉમેદવારો મેદાનમાં હતા જયારે 1998 ની ચૂંટણીમાં સૌથી ઓછા 139 ઉમેદવારો હતા.
7 મેના રોજ યોજાનારી ત્રીજા તબકકાની ચૂંટણીમાં ગુજરાત સિવાય અન્ય 10 રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશોમાં મતદાન યોજાવાનું છે. અન્ય રાજયોમાં બેઠક દીઠ સરેરાશ 14 ઉમેદવારો છે.ત્રીજા તબકકાની 95 બેઠકો માટે કુલ 1352 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે. ગુજરાતની જેમ આસામ, બિહાર, તથા ઊતર પ્રદેશમાં પણ બેઠક દીઠ સરેરાશ 10 ઉમેદવારો વચ્ચે જંગ છે. આસામમાં ચાર બેઠકો માટે 47, બિહારમાં પાંચ બેઠકો માટે 54 તથા ઉતર પ્રદેશમાં 10 બેઠકો માટે 100 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી સુરત બેઠક બિનહરીફ થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયુ હતું. અને બાકીનાં આઠ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતાં ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ, ચૂંટણી પૂર્વે જ વિજેતા જાહેર થઈ ગયા હતા.રાજયમાં સૌથી ઓછા ત્રણ ઉમેદવાર બારડોલીમાં છે જયાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત એક અપક્ષ ઉમેદવાર ચૂંટણી જંગમાં છે. બીજી તરફ અમદાવાદ, પૂર્વની બેઠકમાં સૌથી વધુ 18 ઉમેદવારો છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, જયાંથી લડે છે તે ગાંધીનગરની બેઠકમાં 14 ઉમેદવારો છે. રાજકોટમાં પરસોતમ રૂપાલા સામે આઠ અને પોરબંદરમાં મનસુખ માંડવીયા સામે 11 ઉમેદવારોની લડાઈ છે.
ચૂંટણી વિશ્લેષણમાં એમ પણ બહાર આવ્યું છે કે, ઉમેદવારી પાછી ખેંચવાનું પણ પ્રમાણ વધ્યુ છે. રાજકોટની બેઠકમાં 43 ટકા ફોર્મ રદ થયા કે પાછા ખેંચાયા હતા.અમદાવાદ પશ્ચિમમાં આ આંકડો 42 ટકા તથા મહેસાણામાં 41 ટકા રહ્યો હતો.સુરત બેઠકમાં 24 માંથી 12 ફોર્મ રદ થયા હતા જયારે 33 ટકા અર્થાત આઠ ફોર્મ પાછા ખેંચાયા હતા. ગાંધીનગર બેઠકમાં સૌથી વધુ 17 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા જયારે 14 રદ થયા હતા. આ બેઠક પર સૌથી વધુ 53 ફોર્મ ભરાયા હતા. ઉમેદવારી પાછા ખેંચાવાના મામલે સમગ્ર દેશમાં ગુજરાતનો ક્રમ ચોથો રહ્યો છે.સરેરાશ 10 ટકા ઉમેદવારો ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા હતા.
ઉમેદવારી પાછી ખેંચાવામાં પ્રથમ નંબર કર્ણાટકનો હતો.10.7 ટકા અર્થાત કુલ 995 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. રાજસ્થાનમાંથી 10.3 ટકા તથા મહારાષ્ટ્રમાં 10 ટકા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જ રહ્યો છે. અન્ય પક્ષો કે અપક્ષોનો કોઈ પ્રભાવશાળી દેખાવ હોતો નથી. 2019 માં વધુ સંખ્યામાં અપક્ષો તથા સ્થાનીક પાર્ટીઓએ ઝુકાવ્યુ હતું. એટલે ઉમેદવારોની સંખ્યા વધી રહી હતી. 2019 માં 371 ઉમેદવારો હતા.2014 માં આ સંખ્યા 334 તથા 2009 માં 359 ની હતી.