Anand Patel BK collector
Anand Patel BK collector

 તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોવાળા જિલ્લામાં બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. આ વાવાઝોડાની પૂર્વવતી અસરોના લીધે જિલ્લાના વાતાવરણમાં પણ બદલાવ આવ્યો છે ત્યારે આગામી 24 કલાક દરમ્યાન બિન જરૂરી ઘરની બહાર ન નિકળવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ છે અને જિલ્લાકક્ષાએ પાલનપુર સહિત જિલ્લાના તમામ 14 તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યાં છે. સ્થાનિક કક્ષાએ કોઇપણ ઘટના બને તો તાત્કાલીક કંટ્રોલ રૂમ પર જાણ કરવા જણાવાયું છે. કંટ્રોલ રૂમ પર જાણ થતાં જ તાત્કાલીક મદદ માટેની કાર્યવાહી કરવામાં આવશે. આ વાવાઝોડાના કારણે જિલ્લામાં જાનમાલને નુકસાન ન થાય તે માટે ગ્રામ્યકક્ષા સુધી વ્યવસ્થા ગોઠવી લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, સતત વીજ પુરવઠો જળવાઇ રહે અને વીજ પુરવઠો ખોરવાય તો તેને પૂર્વવત કરવા યુ.જી.વી.સી.એલ.ની 40 ટીમો, વાવાઝોડામાં રોડ પરથી ઝાડ દૂર કરવા માટે માર્ગ અને મકાન તથા વન વિભાગની ટીમો બનાવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસની ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે.

કલેક્ટરએ જણાવ્યું કે, આ ચક્રવાતમાં આપણે સૌએ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. બિન જરૂરી ઘરની બહાર નિકળવાનું ટાળીએ, જે પણ ઝોખમી, જર્જરીત, કાચા સ્ટ્રક્ચર અને વીજપોલ છે તેનાથી દૂર રહીએ. કાચા મકાનો અને ઝુપડાઓમાં રહેતા લોકો માટે ગામની પ્રાથમિક શાળામાં સ્થાનિક કક્ષાએથી સલામત આશ્રયસ્થાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આપણો જિલ્લો પશુપાલન આધારીત જિલ્લો છે એટલે પશુઓને ઝોખમી સ્ટ્રક્ચર કે વીજપોલ વગેરેથી દૂર સલામત સ્થળે રાખીએ. ચક્રવાતમાં તકેદારી જ એકમાત્ર ઉપાય હોય છે ત્યારે આપણે સૌ સતર્ક રહીએ જેનાથી શક્ય તેટલું જાનમાલનું નુકશાન થતું અટકાવી શકાય.

Contribute Your Support by Sharing this News: