ગરવીતાકાત,પાટણઃ પાટણ જિલ્લાના હરસિદ્ધપુરા, મેમદાવાદ, જાખોત્રા અને લોધી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ત્રણ શિક્ષિકા અને એક શિક્ષક પરવાનગી વગર લાંબા સમયથી સતત ગેરહાજર રહેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એ ચૌધરી દ્વારા ડિસમિસ કરવામાં આવ્યા છે. જ્યારે જારુસા પ્રાથમિક શાળાના આચાર્ય 48 કલાકથી વધુ પોલીસ કસ્ટડીમાં રહ્યા હોવાથી તેમને તેમજ હાસાપુર પ્રા.શાળાના શિક્ષક બિનઅધિકૃત ગેરહાજર રહેતા બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જાખોત્રા શાળાના શિક્ષિકા કિડનીની બિમારી કારણે 2 વર્ષથી ગેરહાજર રહેતા સેવામુક્ત: સાંતલપુર તાલુકાની જાખોત્રા પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રિયંકાબેન ચંદ્રકાંતભાઈ મકવાણાને બંને કિડનીઓની ગંભીર બીમારી થતાં તેઅો વર્ષ 2017 થી ગેરહાજર રહેતા હોવાથી નોટીસો આપી ખુલાસો માંગતાં તેમણે બિમારીના કારણે હાજર રહી શકે તેમ નથી અને તેમની સારવાર વતનમાં ચાલે છે તેવો ખુલાસો કરી ખાસ કિસ્સામાં વતનમાં બદલીની માંગણી કરી હતી જેમાં તબીબી પંચ અમદાવાદને શિક્ષિકાની તબીબી તપાસ માટે બોલાવવા લખવામાં આવ્યું હતું જેમાં એક વખત તારીખ વીતી ગયા પછી લેટર મળતાં બીજીવાર પત્ર લખાયો હતો પરંતુ તે પછી હજુ સુધી તબીબી તપાસ માટે ન બોલાવતાં તેઓને સેવામાંથી મુક્ત કરી દેવાનો નિર્ણય લેવાયો છે.
વિદેશ પ્રવાસ જવા 89 દિવસની રજા લીધા બાદ સતત છ માસ સુધી હાજર ન થતા સેવામુક્ત: પાટણ તાલુકાના હરસિદ્ધપુરા પ્રાથમિક શાળા ના શિક્ષક પ્રહલાદભાઈ મણીલાલ પટેલે વિદેશ પ્રવાસ જવા માટે 89 દિવસ ની રજા લીધા બાદ સમય પૂર્ણ થવા છતાં સતત છ માસ સુધી નોકરી પર હાજર ન થતા તેમની શિક્ષક તરીકેની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે તેમની સેવાઓ સમાપ્ત કર્યા પહેલા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેમાં તેમણે કમરની ગાદી ના દુખાવા ના કારણે હાજર થયા નથી તેવું કારણ આપ્યું હતું પરંતુ કોઈ તબીબી પ્રમાણપત્રો રજૂ કર્યા ન હતા.
જારૂસા પ્રા.શાળામાં આચાર્ય 48 કલાકથી વધુ કસ્ટડીમાં રહેતાં સસ્પેન્ડ: સાંતલપુર તાલુકાના જારુસા પ્રાથમિક શાળાના આચાર્ય ભાણાભાઈ ગોવાભાઇ વણકર મહિલા સાથે દુષ્કર્મના ઇપીકો કલમ 376,506(2)114 અને આઇટી એક્ટ કલમ 67 મુજબના ગુનામાં 48 કલાકથી વધુ પોલીસ કસ્ટડીમાં રહ્યા હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વિદ્યાસહાયક હોવા છતાં કપાત પગાર, અને બિનઅધિકૃત ગેરહાજર રહેતા સેવામુક્ત: રાધનપુર તાલુકાના મેમદાવાદ પ્રાથમિક શાળાના વિધાસહાયક ફાતમાંખાતુંન ગુલામનબી ગઢડાવાલાને હજુ તો 25 ફેબ્રુઆરી 2019ના રોજ નોકરી મળી હોવા છતાં કપાત પગાર ગેરહાજર રહેતા હોવાથી તેમજ 10 જૂનથી બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
નોટિસ તેમજ રૂબરૂ સાંભળવાની તક આપવા છતાં 3 વર્ષથી હાજર નહેતાં સેવામુક્ત: સરસ્વતી તાલુકાના લોધી પ્રાથમિક શાળાના શિક્ષિકા લલીતાબેન તેજાભાઈ રબારી છેલ્લા ત્રણેક વર્ષથી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા હોવાથી તેમને સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા છે તેમને સેવામુક્ત કર્યા પહેલા તંત્ર દ્વારા નોટિસ તેમજ રૂબરૂ સાંભળવાની તક આપવામાં આવી હતી પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા.
હાંસાપુર પ્રાથમિક શાળાના બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા સસ્પેન્ડ: પાટણ તાલુકાના હાસાપુર પ્રાથમિક શાળાના શિક્ષક દિનેશભાઈ નાથાભાઈ ચૌધરી ૩ ડિસેમ્બર 2018થી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા સસ્પેન્ડ કર્યા છે.
શિક્ષકો ડિસમિસ કરાયા હતા: બિનઅધિકૃત ગેરહાજર રહેતા 12 શિક્ષકોને વર્ષ 2016 જૂન માસમાં ડિસમિસ કર્યા હતા.જ્યારે ત્યાર બાદ જાન્યુઆરી 2019માં વધુ 4 શિક્ષકોને ડિસમિસ કર્યા હતા.
Contribute Your Support by Sharing this News: