ગરવી તાકાત,અમીરગઢ
૪ રિવોલ્વર, ૧૬ જીવતા કારતૂસ સાથે ચાર પરપ્રાંતિય શખ્સો ઝડપાતા કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર પરથી આજે પોલીસના ચેકીંગ દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ તરફ જઇ રહેલા ચાર પરપ્રાંતિય શખ્સો ચાર રિવોલ્વર સાથે ઝડપાઈ જવા પામ્યા હતા. આ તમામ સામે અમીરગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સતત ચેકીંગ કામગીરી ચાલી રહી છે. અસામાજિક તત્વો દ્વારા અનૈતિક પ્રવૃતિઓ માટે કેટલાક હથિયારો તેમજ દારૂની ઘૂસણખોરી પણ બોર્ડર પરથી થતી હોય પોલીસ પર આવા તત્વો સામે કડક પગલાં ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આજે અમીરગઢ બોર્ડર પરથી પોલીસના ચેકિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી. અમીરગઢ બોર્ડર પર પોલીસના માણસો ચેકિંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ તરફ જઇ રહેલ યુ.પી પાર્સિંગની ગાડીને રોકાવતા અને ગાડીની તલાશી લેવામાં આવતા ગાડીમાં સવાર ચાર શખ્સો પાસેથી ચાર રિવોલ્વર તેમજ 16 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આથી પોલીસે ચારેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એહવાલ,તસ્વીર – જંયતી મેતીયા