દેવ દિવાળી બાદ ગુજરાત સહિત દેશમાં ગૂંજશે શરણાઈઓ! 11 મુહર્ત, 38 લાખ લગ્નો, કરોડોનો વેપાર
ગરવી તાકાત, મહેસાણા તા. 24- મંદીના માહોલમાં રહેલા માર્કેટને લગ્નસરાની સીઝનથી અનેક અપેક્ષાઓ છે. દેવ ઉઠી અગીયારસથી શરૂ થતી લગ્નસરાની સીઝનમાં દેશમાં 38 લાખ લગ્ન થવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. ગત વર્ષે દેશમાં કુલ 32 લાખની વધારે લગ્ન થયા હતા. કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સના સર્વેમાં આ માહિતી સામે આવી છે.
વિશ્વમાં ફેલાયેલ કોરોનાએ આરોગ્ય ક્ષેત્રને હચમચાવી નાખ્યું હતું. કોરોનાથી બચાવ માટે સરકારે અનેક કડક પગલાં લેવાની જરૂર પડી. જે પૈકીનું સૌથી મોટુ પગલું લોકડાઉન હતું. લોકડાઉનથી લોકો કોરોનાથી બચી શક્યા પણ તેમની આર્થિક કમર તૂટી પડી, અનેક ધંધા રોજગાર પડી ભાંગ્યા. જોકો કોરોના મહામારી ન રહેતાં અને સરકારે કેટલીક રાહતો આપતાં વેપાર ઉદ્યોગ ફરી પાટા પર આવ્યા.
પણ ક્યાંય તેજી જોવા મળતી ન હતી. કોરોના કાળથી મંદીમાં રહેલા માર્કેટને ચાલુ વર્ષના લગ્નસરાની સીઝનથી અનેક અપેક્ષાઓ છે. કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સના સર્વે પ્રમાણે ચાલુ વર્ષે દેશમાં લગભગ 38 લાખ લગ્ન થવાની આશા સેવાઇ રહી છે. જેના થકી ચાર કરોડ 75 લાખ કરોડનો વ્યવસાય થવાની શક્યતાઓ છે. નોંધનીય છે કે ગત વર્ષે 32 લાખ લગ્નો થયા હતા અને ત્રણ કરોડ 75 લાખનો વ્યવસાય થયો હતો.
કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સના સર્વેમાં દેશના 30 મોટા શહેરોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં એક સકારાત્મક વાત સામે આવી કે કોરોના બાદ પ્રથમ વાર દિવાળીના તહેવારમાં તેજી જોવા મળી.. લોકોએ દિલ ખોલીને ખરીદી કરી અને બજારમાં રોનક જોવા મળી જેના આધારે લગ્નસરાની સીઝન સારી રહેવાની અપેક્ષા સેવાઇ રહી છે.