લોકસભા સામાન્ય ચૂંટણી 2024 બનાસકાંઠા : યુવા મતદારો ઉજવશે લોકશાહી
ગરવી તાકાત, બનાસકાંઠા તા. 09 – બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઇ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી યોજવા સજ્જ બન્યું છે. લોકશાહીના આ પર્વમાં વધુ વધુ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાર જાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહયા છે. જેમાં મતદાર યાદી સુધારણા કાર્યકમ હેઠળ ૩૬,૦૯૭ યુવા મતદારો પહેલી વાર મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જિલ્લાના કુલ મતદારોની સંખ્યા ૨૫,૫૧,૬૦૧ છે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આખરી મતદાર યાદી હેઠળ જિલ્લામાં ૨૦,૬૫૩ યુવતિઓ અને ૧૫,૪૪૪ યુવાન મળી કુલ ૩૬,૦૯૭ યુવા મતદારો બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં નોંધાયા છે. જેમાં સૌથી વધુ થરાદ મત વિસ્તારમાં ૪૬૪૧ યુવા મતદાર અને સૌથી ઓછા દાંતા મત વિસ્તારમાં ૩૮૪૭ યુવા મતદારો નોંધાયા છે. ભારતીય બંધારણે ૧૮ વર્ષના નાગરિકને મતનો અધિકાર આપ્યો છે. યુવા અવસ્થામાં પ્રથમ મતદાનનો રોમાંચ યુવાઓમાં કંઈક અલગ જ હોય છે.
યુવાઓ હોંશે હોંશે મતદાન કરી લોકશાહીમાં પોતાના મતાધિકાર દ્વારા હાજરી નોંધાવતા હોય છે. કોઈપણ દેશની પ્રગતિ અને વિકાસમાં યુવાશક્તિનું મહત્વનું યોગદાન હોય છે. યુવા શક્તિ ક્રાંતિ અને શાંતિના જનક બનવાનું સામર્થ્ય ધરાવે છે. વિશ્વમાં સૌથી વધુ યુવાધન પણ ભારત દેશ પાસે છે ત્યારે ચૂંટણીમાં પણ યુવા શક્તિ નિર્ણાયક બની રહેતી હોય છે. પાલનપુરની રહીશ નિકિતા મણાજી ઠાકોર નામની યુવતી કે જે પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ આ લોકસભાની ચૂંટણીમાં કરશે.
તેણે ઉત્સાહ સાથે જણાવ્યું કે તેને ચૂંટણી કાર્ડ મળ્યું છે. પ્રથમવાર મત આપવાની મને અનેરી ખુશી છે. આ ચૂંટણીમાં હું મારા મતાધિકારનો ઉપયોગ કરીશ. યુવા મતદાર રાહુલ ચૌધરીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરીશ, મને ખુબ જ ખુશી અને આનંદ છે. મારા માટે આ પ્રથમ મતદાન એટલા માટે પણ યાદગાર છે કે હું, મારા પપ્પા અને મારી સો વર્ષની દાદી, અમે ત્રણે પેઢી એક સાથે મતદાન કરીશું. જેથી પ્રથમ મતદાનની અલગ જ ખુશી છે.
વિધાનસભા મત વિસ્તાર મુજબ યુવા મતદારોની સંખ્યા
વિધાનસભા સ્ત્રી પુરુષ કુલ
૭- વાવ ૨૨૭૬ ૧૭૫૬ ૪૦૩૨
૮- થરાદ ૨૭૪૧ ૧૯૦૦ ૪૬૪૧
૯- ધાનેરા ૨૨૫૧ ૧૭૧૯ ૩૯૭૦
૧૦- દાંતા ૨૦૩૦ ૧૪૫૭ ૩૪૮૭
૧૧- વડગામ ૨૩૩૦ ૧૭૯૧ ૪૧૨૧
૧૨- પાલનપુર ૧૯૭૮ ૧૬૭૮ ૩૬૫૬
૧૩- ડીસા ૨૦૯૬ ૧૫૬૭ ૩૬૬૩
૧૪- દિયોદર ૨૩૩૯ ૧૫૬૬ ૩૯૦૫
૧૫- કાંકરેજ ૨૬૧૨ ૨૦૧૦ ૪૬૨૨
—————————— ————–
કુલ ૨૦,૬૫૩ ૧૫,૪૪૪ ૩૬,૦૯૭