ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં સતત વરસતા વરસાદે હવે ધીરે ધીરે કહેર ઉભી કરી છે ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામે બે બાળ મિત્રો દશામાના વ્રતમાં પ્રસાદી લઈ પરત ફરતા ઘરની સામે એક મકાન ધરાશાયી થતા બંને બાળકો મકાનના કાટમાળ નીચે દટાતા ભારે અફડાતફડી મચી હતી દોડી આવેલા લોકોએ બંને બાળકોને ભારે જહેમત બાદ કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે દવાખાને ખસેડાતા ૬ વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ચકચાર મચી હતી.

શુક્રવારે સાંજના સુમારે આકરૂન્દ ગામે પગીવાળા વિસ્તારમાં રહેતા વૈદિક બાબુભાઇ પગી (ઉં.વર્ષ-૬) અને તેનો બાળમિત્ર કૌશિકભાઈ રમેશભાઈ પરમાર (ઉં. વર્ષ-૯) દશામાના વ્રત ચાલતા હોવાથી પ્રસાદી લઈ પરત ફરતા પગીવાળા વિસ્તારમાં જવાના રસ્તાની બાજુમાં આવેલ મકાનની દીવાલ ધરાશાયી થતા બંને બાળકો દીવાલ નીચે દટાતા પરિવારજનો અને ગામલોકો દોડી આવી બંને બાળકોને કાટમાળ નીચેથી બહાર કાઢી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાબડતોડ બંને બાળકોને.

સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા જેમાં વૈદિકનું સારવાર દરમિયાન રાત્રીના ૧ વાગ્યાના સુમારે મોત નિપજતા શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું ૬ વર્ષીય વૈદિકનું દીવાલ ધરાશાયી થતા મોત નિપજતા આકરૂન્દ ગામમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.

આકરૂન્દ ગામના ઉપસરપંચ દિનેશ પટેલના જણાવ્યા અનુસાર વૈદિકના માતા પિતા અન્ય લોકોના ત્યાં વાસણ-કપડાં નું કામ કરી પેટિયું રળતા હોવાથી  સરકારી સહાય આપવામાં આવેની માંગ કરી હતી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી