— પાલનપુર મહેસાણા સિક્સલેન હાઈવેની ચાલતી કામગીરી વાહન ચાલકો માટે કાળરૂપ બની :
— આણંદના પાંચ મિત્રો અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો :
ગરવી તાકાત પાલનપુર : વડગામ તાલુકાના તેનીવાડા નજીક શનિવારે મોડી રાત્રે બે ટ્રક અને કારનો ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેને લઇ કારમાં બેઠેલ પાંચ મિત્રોમાંથી ત્રણ મિત્રોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બે મિત્રોને ઇજાઓ પહોંચતા તેમને ૧૦૮ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પાલનપુરથી મહેસાણા છ માર્ગીય હાઇવેનું છેલ્લા લોકડાઉન સમયથી કામગીરી ચાલી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અનેક લોકોના હાઇવે ઉપર મોત થયા છે જેને લઇ શનિવારે મોડી રાત્રે આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના દેવાતર ગામના અને તારાપુર તાલુકાના કાલાવાડા ગામના પાંચ મિત્રો અંબાજી મથકે માં અંબાના દર્શન કરી પરત ફરી રહ્યા હતા દરમિયાન છાપી નજીક આવેલ તેનીવાડા પાટીયા નજીક ઘણા સમયથી પુલનું કામ ચાલી રહ્યું છે ત્યારે એકતરફી વાહન વ્યવહાર ચાલુ રખાયો છે.
કોન્ટ્રકટર દ્વારા પુલ નજીક કોઈપણ પ્રકારના રિફ્લેકટર, રેડિયમ લગાવવામાં ન આવેલ જેના કારણે હાઇવે પર વધુ સ્પીડથી આવતા વાહનો અટવાય જાય છે ત્યારે શનિવારે કંઈક આવી જ ઘટના બની હતી. જેના કારણે ટ્રક વધુ સ્પીડમાં હોવાથી પુલ આવી જતા સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતા આગળ ચાલી રહેલી કારને જોરદાર ધડાકે સાથે ટકરાઇ હતી તેમજ તેની સાથે સાથે પાછળ આવી રહેલ ટ્રક પણ ટકટાઈ હતી જેને લઈ કારને વધુ ટક્કર લાગતા કારમાં સવાર અંદર બેઠેલ ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા તેમજ અન્ય બે મિત્રો ઘાયલ થતાં ૧૦૮ મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ છાપી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તેઓને લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી ત્યારબાદ મૃતક પરિવારને જાણ કરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર