વિજાપુરના વેપારીનું અપહરણ કરી હત્યા કરી દેવાના કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે 3 આરોપીઓને આજીવન કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે. મૂળ અમદાવાદના અને વિજાપુરની મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા વેપારી જીતેન્દ્ર ડાહ્યાલાલ બારોટ 18 માર્ચ 2014ના રોજ તેમના પુત્ર પાર્થ સાથે ટીબી હોસ્પિટલ રોડ ઉપર હતા. તે સમયે વર્ષોથી ધંધામાં ભાગીદારી ધરાવતા વિસનગરના જીગર નરસિંહભાઈ પટેલ સહિત 6 થી 7 શખ્સો આવ્યા હતા. જીતેન્દ્ર બારોટે ગાડીમાં બેસવાની ના પાડતાં છરીના ઘા મારી ગાડીમાં નાખી અપહરણ કરી ગયા હતા
તેમના પુત્રએ પોલીસને જાણ કરતાં શોધખોળ દરમિયાન મહેસાણાના નુગરની સીમમાંથી જીતેન્દ્ર બારોટની લાશ મળી હતી. પૈસાની લેતી-દેતીમાં હત્યા કરાઈ હોવાનું ખૂલતાં વિજાપુર પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ કેસમાં પકડેલાં 3 આરોપીઓ પેરોલ ઉપર છૂટીને સમયસર હાજર નહીં થઈ બાદમાં હાજર થયા હતા. તેથી નવેસરથી મૂકેલા ચાર્જશીટ પછી મહેસાણા સેશન્સ કોર્ટના ન્યાયાધીશ એ.એલ. વ્યાસે સરકારી વકીલ અશોકભાઈ મકવાણાની દલીલો ગ્રાહ્ય રાખી 3 આરોપીઓને આજીવન કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.
આમને સજા ફટકારી
1.જીજ્ઞેશ ભોગીલાલ પટેલ
2. અલ્પેશ રમેશભાઈ પટેલ
બંને રહેવાસી અંબિકા સોસાયટી, વિસનગર
3.ભરત પ્રભુદાસ પટેલ રહે. ગાંભુ, તા.બહુચરાજી
ન્યુજ એજન્સી