— દિલ્હીથી કંડલા નેશનલ હાઈવે ઉપર સાંતલપુર નજીક :
— બે દિવસ પહેલાં અહીં સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત ટ્રેલરને રોડ પરથી નહીં હટાવાતા અકસ્માત સર્જાયો :
ગરવી તાકાત રાધનપુર : દિલ્હી કંડલા નેશનલ હાઈવે ૨૭ પર આવેલા સાંતલપુર નજીક વહેલી પરોઢે અકસ્માતગ્રસ્ત ટ્રેલરની પાછળ એક લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં લક્ઝરીમાં મુસાફરી કરી રહેલા ૨૬ મુસાફરો ગંભીર ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને સાતલપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે પેકી ચારની હાલત નાજુક જણાતા તેઓને ધારપુર સિવીલમાં રીફર કરાયા હતા.
નેશનલ હાઈવે પર આવેલ સાંતલપુર ઓવર બ્રિજ પર બે દિવસ પહેલા ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત ગ્રસ્ત ટ્રેલરને હાઇવે પરથી ખસેડવામાં ં જવાબદાર તંત્ર દ્વારા વિલંબ કરવામાં આવતા શુક્રવારના વહેલી પરોઢે મુસાફર ભરેલી ખાનગી લકઝરી બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી મુસાફરો ભરી ખાનગી લક્ઝરી બસ કચ્છના મુન્દ્રા તરફ જતી હતી.
લક્ઝરી બસ પરોઢે સાતલપુર ઓવરબ્રિજ પરથી પસાર થતી ત્યારે અકસ્માત ગ્રસ્ત થયેલ ટ્રેલર લક્ઝરી ના ડ્રાયવરને નહીં દેખાતા તેની પાછળ લક્ઝરી બસ ધડાકાભેર ઘુસી ગઈ હતી.સર્જાયેલ અકસ્માતને કારણે વહેલી પરોઢે બસમાં નીંદર માણતા ૨૬ મુસાફરોને ગંભીર ઈજાઓ થવા પામી હતી.
ઘટનાને પગલે મુસાફરોની ચીચીયરીઓથી હાઇવે ગુંજી ઉઠયો હતો.જયારે તેની જાણ થતા સાતલપુરના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રેસ્કયુની કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્ત મુસાફરોને ૧૦૮ મારફતે સાતલપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચાડયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા ૨૬ પૈકી ચાર મુસાફરોની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર અર્થે ધારપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા.