છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં કોરોનાના વધુ ૨૮૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૪ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૮૨૨ પર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૧૮ દર્દીને રજા આપવામાં આવી હતી. આમ એક દિવસમાં નોંધાયેલા કેસ કરતાં ડિસ્ચાર્જ કરાયેલા લોકોની સંખ્યા લગભગ બમણી હતી. પશ્ચિમ અમદાવાદમાં બે દિવસની રાહત પછી શુક્રવારે મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ આવતાં તંત્રએ વોર્ડ વાર આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દીધું છે. જેથી નાગરિકો તેમની આસપાસ કેટલા પોઝિટિવ કેસ છે તેનાથી અજાણ રહે. માત્ર નદી પારના પશ્ચિમના વિસ્તારમાં ૮૮ કેસ નોંધાયા છે. લૉકડાઉન ખૂલ્યા બાદની સ્થિતિ દર્શાવે છેકે, સ્થિતિ વણસી રહી છે. પશ્ચિમ ઝોનમાં માત્ર સાબરમતીમાં જ ૨૨, નારણપુરામાં ૧૨, વાસણા અને પાલડીમાં પણ ૭- ૭ કેસ નોંધાયા છે. દ.પશ્ચિમ ઝોનના વેજલપુરમાં ૧૦ કેસ સામે આવ્યા છે. દક્ષિણ ઝોનમાં પણ મણિનગરમાં ૧૧, ઇન્દ્રપુરીમાં ૯ કેસ સામે આવ્યા છે. ઉત્તર ઝોનમાં પણ બાપુનગરમાં જ ૧૮ કેસ નોંધાયા છે. સૈજપુર બોઘામાં ૭ સહિત અન્ય તમામ વોર્ડમાં પણ કેસો નોંધાયા છે. પૂર્વ ઝોનમાં અમરાઇવાડીમાં ૯ કેસ ઓઢવ વિસ્તારમાં ૭ સહિત તમામ વોર્ડમાં કેસો નોંધાયા છે. શહેરમાં ૮૫ જેટલી ધનવન્તરી એમ્બુલન્સ મારફતે શહેરમાં જુદી જુદી જગ્યાએ જઇને લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ૧૯૭ જેટલા લોકોને કોરોના પોઝીટીવના લક્ષણો જણાંતા તેમને હોસ્પિટલ મોકલાયા છે જ્યારે ૯૫ હજાર લોકોની તપાસ કરી સારવાર આપી છે. મ્યુનિ. દ્વારા ધન્વન્તરી રથ મારફતે શહેરના વિવિધ વિસ્તારમાં ૧૭ મેથી નાગરિકોના આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી છે. જે રથમાં બેઠેલા તબીબો દ્વારા તપાસ કરીને સારવાર આપવામાં આવે છે. જેમમાં ગત ૨૯મી સુધીમાં ૯૫૮૮૬ લોકોની તપાસ કરાઇ છે. જેમાં તાવ આવતો હોય તેવા ૬૬૪૧ લોકોને દવા આપી છે. સાથે શરદી- ઉધરસ જેવા લક્ષણો હોય તેવા ૨૧૩૮૧ લોકોને દવા આપવામાં આવી છે. અન્ય રોગ હોય તેવા પણ ૬૭૬૬૭ લોકોને સારવાર આપવામાં આવી છે.

Contribute Your Support by Sharing this News: