અકસ્માત દરમિયાન બસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 50 લોકો ઉપસ્થિત હતા
ખેરાલુની સ્કૂલબસનો રાજસ્થાનમાં અકસ્માત, 2ના મોત, 21 લોકો ઇજાગ્રસ્ત
ગરવી તાકાત, રાજસ્થાન : મહેસાણાના ખેરાલુની શ્રી સી એન વિદ્યાલય નામની શાળાના બાળકો તથા શિક્ષકોને લઇને નીકળેલી લક્ઝરી બસનો રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં2 લોકોના મોત જ્યારે 21 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
સ્કૂલના બાળકોથી ખચોખચ ભરેલી બસને વહેલી સવારે સુમેરપુર નજીક અકસ્માત નડ્યો હતો. સાઇડમાં ઉભેલી ટ્રક પાછળ બસ ઘૂસી ગઇ હતી. અકસ્માત થતા રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. આસપાસના લોકોએ અકસ્માત અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ થતા જ સુમેરપુર પોલીસ સ્થળ પર આવી હતી. આ સાથે જ એમ્બ્યુલન્સને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિરોહી પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત દરમિયાન બસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 50 લોકો ઉપસ્થિત હતા. કુલ 2 બસો શાળામાંથી રવાના થઇ હતી જેમાંથી એક બસને સુમેરપુર પાસે અકસ્માત નડ્યો હતો. આ પહેલા જૂનાગઢમાં પણ આવી જ એક ઘટના બની હતી. જેમાં વંથલી નજીક ટ્રીપલ અકસ્માતમાં બાળકોને લઇને પ્રવાસે નીકળેલી બસો સહિત 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સ્કૂલ બસમાં સવાર 10 જેટલા વિદ્યાર્થીઓને ઇજા થઈ હતી.