મહેસાણાના મંડાલીમાં થયેલ હત્યા કેસમાં સંડોવાયેલ 2 આરોપીને મહેસાણા એલસીબીએ ઝડપી પાડ્યા છે. મંડાલી ગામના શખ્સની લાશ ભાસરીયા ગામની સીમમાં આવેલ કેનાલમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં પોલીસે તમામ પાસાઓની તપાસ હાથ ધરી હતી. જેમાં મોબાઈલ ચોરીના મામલે ઝઘડો થતાં આ હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે. એલસીબીની ટીમે હત્યાના 2 આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
આ કેસની વિગત એવી છે કે, મહેસાણાના મંડાલી ગામની સીમમાં આવેલ દારૂના અડ્ડા પર મરણજનાર જુનેદખાન નામનો શખ્સ નોકરી કરી હતો. તારીખ 08-10-2021 ના રોજ મોબાઈલ ચોરાઈ જવાના મામલે તેની માથાકુટ થઈ હતી. જેમાં મેહબુબખાન ઈસબખાન પઠાણ, મુસ્તફામીયા મહેબુબખાન પઠાણ તથા સરફરાજ ગુલાબખાન પઠાણે મોબાઈલ ચોરીના આરોપમાં ભેગા મળી જુનેદખાનની હત્યા કરી નાખીં હતી. હત્યા બાદ લાશને એક્ટિવા પર લાદી ભાસરીયા ગામની સીમમાં આવેલ કેનાલમાં નાખી ફરાર થઈ ગયા હતા.
બીજા દિવસે કેનાલમાંથી લાશ મળી આવતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાદમાં પોલીસને કેસની જાણ થતાં તથા મોત શંકાસ્પદ હોઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મરણજનારની નાણાકીય લેવડ દેવડ, કોઈ સાથે અણબનાવ જેવા પાસાની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં પોલીસ સામે મોબાઈલ ચોરીના આરોપવાળી ઘટના પોલીસ સામે આવતાં તેમને શંકાસ્પદ ઈસમોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં મહેબુબખાન ઈસબખાન તથા સરફરાજ નામનો શખ્સની ધરપકડ કરવામાં આવતાં તેમને પોતાનો ગુનો કબુલ્યો હતો. જેથી મહેસાણા એલસીબીની ટીમે બન્ને આરોપીની ધરપકડ કરી લાંઘણજ પોલીસ મથકે સોંપ્યો હતો. આ હત્યાના કેસમાં સામેલ મહેબુબખાનનો દિકરો મુસ્તફામીયા ફરાર હોઈ તેને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતીમાન કર્યા છે.