► મધ્ય-ઉત્તર ગુજરાતમાંથી 3-3ને કેબીનેટમાં સ્થાન : સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાંથી 5-5 તથા સૌથી વધુ સાત ઓબીસી મંત્રીઓ : અર્ધો ડઝન નવા ચહેરા
► 8 કેબીનેટ તથા 2 સ્વતંત્ર હવાલો સહિત 8 રાજ્યકક્ષાના મંત્રીઓ
ગરવી તાકાત, મહેસાણા – ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભાજપ સરકારના મુખ્યમંત્રીપદે સતત બીજી ટર્મમાં ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે અન્ય 16 ધારાસભ્યોને પણ પ્રધાનપદના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આમ મુખ્યમંત્રી સહિત 17 સભ્યોનું પ્રધાનમંડળ બનાવાયું છે. તેમાં 8 કેબીનેટ તથા 8 રાજ્યકક્ષાના પ્રધાનો છે. સાંજે તમામ પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે. ગાંધીનગર હેલીપેડ ખાતે યોજાયેલા આ ભવ્ય અને શક્તિ પ્રદર્શન સાથેના શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમીત શાહ સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીનગર ખાતેના આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા મુખ્યમંત્રી સહિતના પ્રધાનોને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. સૌપ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુપ્તતાના શપથ લીધા હતા.
આઠ કેબીનેટ પ્રધાનોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમાં કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળીયા, મુળુભાઈ બેરા, કુબેરભાઈ ડીંડોર તથા ભાનુબેન બાબરીયાનો સમાવેશ થતો હતો. હર્ષ સંઘવી તથા જગદીશ વિશ્વકર્માને રાજ્યકક્ષાના (સ્વતંંત્ર હવાલો) તરીકે શપથ ગ્રહણ કરાવાયા હતા. રાજ્યકક્ષાના પ્રધાનોમાં પરસોતમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરીયા, ભીખુસિંહ પરમાર તથા કુંવરજીભાઈ હળપતિનો સમાવેશ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમીત શાહ, રાજનાથસિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, યુપીના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ, શિવરાજસિંહ ચૌહાણ, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડનવીસ સહિતના કેન્દ્રીય નેતાઓ-રાજ્યોના મુખ્યપ્રધાનો હાજર હતા. ગુજરાતમાંથી પણ હજારોની સંખ્યામાં આગેવાનો-કાર્યકરોએ શપથવિધિમાં હાજર રહીને ઐતિહાસિક જીતનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.
મુખ્યપ્રધાન તથા 16 પ્રધાનોમાં રાજ્યના ચારેય ઝોનનું સંતુલન કરવામાં આવ્યું હતું. નવી સરકારમાં 16 પ્રધાનોમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના પાંચ-પાંચ છે જ્યારે મધ્ય-ઉતર ગુજરાતમાંથી 3-3ને પ્રધાનપદ આપવામાં આવ્યું છે. કેબીનેટમાં સૌથી વધુ સાત ઓબીસી પ્રધાનોને સામેલ કરવામાં આવ્યા છે. પાટીદાર સમાજના ત્રણને પ્રધાનપદ અપાયું છે. ક્ષત્રિય, જૈન, બ્રાહ્મણ, આદિવાસી તથા દલિત સમાજમાંથી એક-એકને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીની સરકારોનું આ સૌથી નાનુ પ્રધાનમંડળ છે. જોકે, આવતા દિવસોમાં કેબીનેટ વિસ્તરણ થવાની શક્યતા છે. નવનિયુક્ત મંત્રીઓની પ્રથમ કેબીનેટ બેઠક સાંજે બોલાવવામાં આવી છે. તેમાં પ્રધાનોની ખાતાઓની ફાળવણી ક રવામાં આવે તેવી શક્યતા છે.
નવા પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રને ખાસ મહત્વ આપવામાં આવ્યું હોય તેમ પાંચમાંથી ચાર પ્રધાનોને કેબીનેટ દરજ્જો આપવામાં આવ્યો છે. રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, મુળુભાઈ બેરા તથા ભાનુબેન બાબરીયાને કેબીનેટ દરજ્જો મળ્યો છે. સૌરાષ્ટ્રમાંથી કેબીનેટમાં લેવાયેલા પાંચમાં મંત્રી એવા પરસોતમ સોલંકીને રાજ્યકક્ષાના પ્રધાન બનાવાયા છે. અન્ય એક મહત્વની વાત એ છે કે રાજકોટમાંથી બે ધારાસભ્યો કુંવરજી બાવળીયા તથા ભાનુબેન બાબરીયાને પ્રધાનમંડળમાં લેવાયા છે અને બન્નેને કેબીનેટનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેબીનેટમાં ભૂપેન્દ્ર પટેલની ગત સરકારના સાત પ્રધાનોને રીપીટ કરવામાં આવ્યા છે. અર્ધો ડઝન નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં મુળુભાઈ બેરા, ભાનુબેન બાબરીયા, બળવંતસિંહ રાજપુત, પ્રફુલ પાનસેરીયા જેવા નવા ચહેરાઓને સમાવવામાં આવ્યા છે.