— કોર્ટે સગીરાની જુબાની મહત્વની માની આરોપીને સજા કરી :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના ગામડામાં રહેતી 15 વર્ષીય સગીરાનું કારમાં અપહરણ કરી 3 વખત દુષ્કર્મ આચરનારા જોરણંગ ગામના યુવાનને મહેસાણા કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.55 હજારનો દંડ ફટકાર્યો હતો.
કેસની વિગત મુજબ, ગત 18 નવેમ્બર, 2020ના રોજ લાંઘણજ જવાના રોડ પર 15 વર્ષીય સગીરા શૌચક્રિયા જઇ રહી હતી. ત્યારે જોરણગ ગામનો બજાણિયા શંકર કરસનભાઈ કાર લઇને આવ્યો હતો અને સગીરાના મોંઢે રૂમાલનો ડૂચો મારી અપહરણ કરી અજાણી જગ્યાએ લઇ જઇ 3 વખત દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં સગીરાને અમદાવાદ એકલી ઉતારી આ વાત કોઇને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી સગીરાએ ઘરે પહોંચી લાંઘણજ પોલીસ મથકે શંકર બજાણિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપીઓ સામે ચાર્જશીટ કર્યા બાદ કેસ મહેસાણાની પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રેખાબેન જોશીએ સમાજમાં દાખલો બેસે અને કાયદાની જોગવાઇ મુજબ આરોપીને સખત અને મહત્તમ સજા થવી જોઈએ તેવી કરેલી દલીલોને આધારે પોક્સો જજ એ.એલ. વ્યાસે આરોપી શંકર બજાણિયાને અપહરણના ગુનામાં 3 વર્ષની સખત કેદ અને રૂ.5000 દંડ, દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સખત કેદ અને રૂ.45 હજાર દંડ તેમજ પોક્સો એક્ટની 10 વર્ષની સખત કેદ અને રૂ.5000 દંડની સજા ફટકારી છે.
દુષ્કર્મના આ કેસમાં કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીમાં સરકારી વકીલ દ્વારા 23 જેટલા સાહેદો, મેડિકલ ઓફિસરો અને તપાસ અધિકારીઓને પણ તપાસવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે ભોગ બનનાર પીડિતાની જુબાની સંપૂર્ણપણે મહત્વની માની તેણીના 164 મુજબના નિવેદનના આધારે આરોપીને સજા ફટકારી હતી.