ગરવી તાકાત, ગાંધીનગર તા. 15 – ગુજરાતમાંથી એમ જ પ્રેમ લગ્ન વખતે સાક્ષી તરીકે વર-કન્યાના માતા-પિતાની સહી ફરજિયાત હોવાની માગ થઈ રહી છે. માતા-પિતાની પરવાનગી વિના થતાં લગ્નો કરૂણાંતિકામાં પરિણમે છે. રાજ્યમાં સહમતી વિના થતાં લગ્નને કારણે ક્રાઈમ વધે છે. લવ મેરેજ રજિસ્ટ્રેશન માટેના કાયદામાં ફેરફાર કરવાની પણ જરૂર હોવાનો મામલો વિધાનસભા સુધી પહોંચ્યો છે. ગુજરાતના સુખી સંપન્ન પાટીદાર સમાજે પણ આ મામલો સરકાર સામે ઉઠાવ્યો છે.
માતા-પિતાની સહીનો કાયદો આવવાથી સામાજિક રીતે ફાયદો થશે. આ તમામ બાબતોમાં એ સામે આવ્યું છે કે, ગુજરાતમાં હત્યાનાં મુખ્ય કારણોમાં સૌથી પ્રથમ કારણ પ્રેમ પ્રકરણ છે. વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી ગઈકાલે જ થઈ. છોકરા અને છોકરીઓ એકબીજાના પ્રેમમાં પડી ભાગીને લવ મેરેજ કરી લેવા એ ફેશન બની ગયું છે. મા બાપની સંમતિ વિના થતાં આ લગ્નો આખરે હત્યામાં પરિણમે છે. ગુજરાતમાંથી જ છેલ્લા 1૦ વર્ષમાં 1446 વ્યક્તિની પ્રેમ પ્રકરણને કારણે હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.
2017ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં પ્રેમ પ્રકરણમાં સૌથી વધુ 156 હત્યા થઈ છે. છેલ્લા 1૦ વર્ષમાં પ્રેમ પ્રકરણને કારણે સૌથી વધુ 179 હત્યા વર્ષ 2૦21માં થઇ હતી. વર્ષ 2૦22ની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્રેમ પ્રકરણને કારણે 134ની હત્યા થઇ હતી. પ્રેમ પ્રકરણને કારણે વર્ષ 2૦22માં સૌથી વધુ હત્યા ઉત્તર પ્રદેશમાં 253 થઈ હતી. બિહારમાં 171, મધ્ય પ્રદેશમાં 146, મહારાષ્ટ્રમાં 143 સાથે ગુજરાત આ રાજ્યોમાં પાંચમાં સ્થાને રહ્યું હતું. સમગ્ર દેશમાંથી એક વર્ષમાં 14૦1 વ્યક્તિની પ્રેમ પ્રકરણને કારણે હત્યા થઇ હતી.