ગાંધીનગર માં ૧૨૦૦ સભાસદો સાથે છેતરપીંડી,૮ વર્ષ થી ન બનેલી ટાઉનશીપના નામે ૧૨૦ કરોડનું કૌભાંડ…

શેર કરવા અહીં ક્લિક કરો.

 ગાંધીનગર નજીક આવેલા પુન્દ્રાસણ ગામની સીમમાં વિધુતનગર ટાઉનશીપ બનાવી આપવાના નામે ૧૨૦૦ જેટલા સભાસદો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી રૂપિયા ૧૨૦ કરતા વધારે રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. માર્ચ-૨૦૧૧માં જાહેર કરાયેલી આ સ્કીમમાં આજદિન સુધી કોઈ પ્લોટ નહીં ફાળવવા સાથે શરૂઆતમાં જોડાયેલા ૯૦૦૦ જેટલા સભાસદો પાસેથી પણ રૂપિયા ૧૧૦૦૦ લેનાર કુલ ૬ વહીવટકર્તાઓ સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવતા પાટનગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જેમાં પોલીસે એક જાણીતા બિલ્ડર સહીત બે વ્યક્તિની અટકાયત કરી છે. તો ગાંધીનગર કોર્ટમાં શનિવારે અસરગ્રસ્ત સભાસદોએ આ કૌભાંડ સામે વિરોધ પ્રદર્શન કરી આક્રોશ વ્યકત કર્યો હતો.ગાંધીનગર જીલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશનમાં અજીતસિંહ નાગજીભાઇ ભટ્ટી (રહે, સે.૩૦ પ્લોટ ન-૨૮૮/૪ ગાંધીનગર)એ નોધાવેલી ફરિયાદ પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા પુન્દ્રાસણ ગામની સીમમાં સને ૨૦૧૧માં કેશરીસિંહ શીવસિંહ ચૌહાણ તથા તેમના માણસોએ વિધુતનગર ટાઉનશીપના નામે જાહેરાત આપી હતી. તે વખતે રજીસ્ટ્રેશન કરાવી આશરે ૯૦૦૦ જેટલા સભાસદો પાસેથી રૂપિયા ૧૧૦૦૦ ડીપોઝટ લેવામાં આવી હતી. પરંતુ આ સ્કીમ ઘણો લાંબો સમય જવા છતાં અમલમાં નહીં આવતા ૭૫૦૦ જેટલા સભાસદો આ ટાઉનશીપમાંથી નીકળી ગયા હતા. જયારે ૧૨૦૦ જેટલા સભાસદો જોડેથી ૧૨૦ અને ૨૦૦ ચોમી.ના પ્લોટ પ્રમાણે ૯ લાખથી ૧૧ લાખ સુધીના નાણાં લેવામાં આવ્યા છે.આ સભાસદો પાસેથી ૧૨૦ કરોડ જેટલી માતબર રકમમાંથી પુન્દ્રાસણ તથા કોલવડા ગામની સીમમાં આ સ્કીમના આરોપીઓએ પોતાના નામે ૧૦ જેટલા સર્વે નંબરની જમીન ખરીદ કરી હતી. તેમણે પાંચ વર્ષમાં સુધીમાં દરેક સભાસદોને પ્લોટ આપવાનો વાયદો કરી નાણાં મળ્યા અંગેની પહોચો તથા એલોટમેનટ લેટર આપી વિશ્વાસ કેળવ્યો હતો.પરંતુ ૮ વર્ષ થવા છતાં ફરીયાદી કે નાય સભાસદોને પ્લોટ નહીં ફાળવવા સાથે ભરેલા પૈસા પણ પરત નહીં કરીને છેતરપીંડી અને વિશ્ર્વાસધાત કરેલ છે. આ ટાઉનશીપમાં જી.ઇ.બી.ના કર્મચારીઓ, સરકારી-અર્ધસરકારી કર્મચારીઓ તથા નિવૃત તેમજ જરૂરીયાતમંદ ગરીબ લોકોએ સભાસદો બની આ સ્કીમમાં નાણાં રોક્યા છે. આથી પ્લોટ નહીં ફાળવીને સભાસદો સાથે છેતરપીંડી અને વિશ્વાસધાત થયાનું જણાતાં આ વિધુતનગર ટાઉનશીપના સભાસદોએ પોલીસ અને કોર્ટમાં અરજીઓ કરી છે. આ ટાઉનશીપના મુખ્ય વહીવટકર્તા અને તેની સાથે સંકળાયેલ આરોપીઓ કેશરીસિંહ શીવસિંહ ચૌહાણ, તેમના પત્ની સરોપકુંવરબા ઉફે સ્વરૂપબા રૂધનાથસિંહ કુંપાવત, તેમનો પુત્ર કુલદીપસિંહ કેશરીસિંહ ચૌહાણ (રહે. ૯૬ ઉર્જાનગર સોસાયટી કોબારોડ, રાદેસણ તા,જી, ગાંધીનગર) તેમજ જાણીતા બિલ્ડર્સ અશોકભાઈ ભવાનભાઈ પટેલ અને તેમના પુત્ર કેયુર અશોકભાઈ પટેલ (રહે. સે-૮/બી. પ્લોટ નં-૪૩ ગાંધીનગર) તેમજ પ્રવિણભાઇ ભીખાભાઇ પાનસરીયા (રહે. ૪,આરાધના સોસાયટી, ઘુમારોડ,બોપલ અમદાવાદ) વિરૂધ્ધમાં પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવવામાં આવી છે. આ ગુન્હાની તપાસ પેથાપુરના પીએસાઈ એ.જી.એનુરકારએ હાથ ધરી છે. જેમાં ફરિયાદીની તપાસ દરમ્યાન સંડોવાયેલ અશોકભાઇ ભવાનભાઇ પટેલ તથા પ્રવિણભાઇ ભીખાભાઇ પાનસરીયાની ધરપકડ કરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.