પાટણ શહેર-સિદ્ધપુર તાલુકામાં બુધ‌વારે એકી સાથે 12 કોરોના પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા છે અને એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજતાં લોકોમાં ફફડાટ વધ્યો છે.

બુધવારે પાટણ શહેરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો હોય તેમ શહેરના મોટી ભાટિયાવાડ જીવનધારા સોસાયટી, યશ ધામ, વસુંધરા સોસાયટી, જલારામ મંદિર પાછળ, આરાસુરી સોસાયટી, કંડવાસ, ગુરૂ નગર અને કાગડાની શેરી મળીને કુલ 10 કોરોના પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા હતા તો સિધ્ધપુર શહેરના લક્ષ્‍મીપોળ નિશાળનો ચકલા વિસ્તારમાં 1 અને તાલુકાના સેદ્ધાણા ગામે 1 કેસ મળી જિલ્લામાં કુલ 12 કોરોના પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા હતા.

જ્યારે પાટણ શહેરમાં યશ ટાઉનશીપમાં રહેતા અને કોરોનાની સંક્રમણમાં સપડાયેલા 50 વર્ષિય પુરુષનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે કોરોનાની સંક્રમણને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ગ્રસ્ત વિસ્તારમાં સેનેટાઈઝર દવાનો છંટકાવ કરી વિસ્તારને કોર્ડન કરવાની સાથે કોરોના પોઝિટિવ દર્દીનાં સંપર્કમાં આવેલ લોકોને કોરેન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

પાટણ શહેર અને જિલ્લામાં બુધવારે વધુ 12 કોરોના પોઝિટિવ કેસો મળી કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 357 પર પહોંચ્યો છે તો એક મોત સાથે કુલ મોતનો આંકડો 32 પર પહોંચ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધી રહેલ કોરોના પ્રકોપને લઈને શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો તંત્ર દોડતું થઈ ગયું છે.