6 બાળકો અને 1 શિક્ષક લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. બોટમાં કુલ 31 લોકો સવાર હતા
બોટમાં 14 લોકોની ક્ષમતા છે, છતાં 31 લોકોને કેમ બેસાડવામાં આવ્યા તે એક મોટો પ્રશ્ન ઉભો થાય છે
ગરવી તાકાત, વડોદરા તા. 18 – વડોદરા શહેરના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે આવ્યા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ જીવનની આખરી પિકનિક હશે. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે બોટ પલટી મારી ગઈ હતી.
તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્રએ આ વિશે સત્તાવાર માહિતી આપી છે. જોકે, ફાયર વિભાગ દ્વારા 13 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા છે.
જ્હાનવી હોસ્પિટલમાં 9 અને સયાજી હોસ્પિટલમાં 5ના મોત થયા છે, જ્યારે 1 બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હજી 6 બાળકો અને 1 શિક્ષક લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. બોટમાં કુલ 31 લોકો સવાર હતા. બોટમાં 14 લોકોની ક્ષમતા છે, છતાં 31 લોકોને કેમ બેસાડવામાં આવ્યા તે એક મોટો પ્રશ્ન ઉભો થાય છે. 23 બાળકો, 4 શિક્ષક અને 4 સ્કૂલ સ્ટાફ બોટમાં સવાર હતા. ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે.