રાંચી તા. 25 : તેલંગાણા સરકારના અધિકારી શિવ બાલકૃષ્ણના પરિસરમાંથી 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમની પાસેથી 40 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું, 60 મોંઘી ઘડિયાળો, 14 સ્માર્ટ ફોન, 10 લેપટોપ, સ્થાવર મિલકતો સાથે સંબંધિત ઘણા દસ્તાવેજો અને નોટ ગણવાના મશીનો મળી આવ્યા હતા.
બુધવારે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની 14 ટીમોએ રાજ્યભરમાં બાલકૃષ્ણ અને તેના સંબંધીઓના 20 સ્થળો પર દરોડા પાડ્યા હતા. બાલકૃષ્ણ તેલંગાણા રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERAઅ)ના સચિવ છે. તેઓ બાલકૃષ્ણ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.
એસીબીએ બાલકૃષ્ણની ધરપકડ કરી છે. તેમના હોદ્દાનો દુરુપયોગ કરીને અપ્રમાણસર સંપત્તિ ઉભી કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ACBનો આરોપ છે કે બાલકૃષ્ણે હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટરના પદ પર રહીને જંગી સંપત્તિ મેળવી હતી. તેણે ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓને પરમિટની સુવિધા આપીને કરોડો રૂપિયાની કમાણી કરી છે.