— ઈંધણનો ભાવ વધારો, રશિયા-યુક્રેન યુદ્ધના પરિણામે :
— દર વર્ષે 0.5 થી 2 ટકાનો સુધીનો વધારો કરાતો હતો :
ગરવી તાકાત મહેસાણા : ચીનથી કાચા માલની આયાત બંધ થતા, પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થતા તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની અસર જીવનરક્ષક દવાઓના ભાવ ઉપર થઈ છે. ત્રણેય પરિબળોના કારણે મહેસાણા જિલ્લામાં જીવન રક્ષક દવાઓના ભાવમાં ૧૦ ટકાનો વધારો કરાયો છે.
સામાન્ય રીતે કેન્દ્ર સરકારની સંસ્થા ડીપીસીઓ(ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર) દર વર્ષે ૦.૫ ટકાથી ૨ ટકા સુધીનો ભાવ વધારો કરતી હોય છે. ચાલુ વર્ષે ૧૦ ટકાનો ભાવ વધારો ૧ એપ્રિલથી અમલમાં મૂકાયો છે.
ઉત્તર ઝોન કેમિસ્ટ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ કુંજન મોદીએ જણાવ્યુ હતુ કે, ડીપીસીઓ (ડ્રગ પ્રાઈસ કંટ્રોલ યુનિટ) દર વર્ષે એપ્રિલથી માર્ચ સુધીના નાણાકીય વર્ષ દરમિયાન દવાઓના ભાવ મંજૂર કરતુ હોય છે. ૮૭૨ જેટલી જીવન રક્ષક દવાઓને ડીપીસીઓ અંતર્ગત આવરી લઈને ડબલ્યુપીઆઈ(હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ)ને કંટ્રોલ કરવાનુ કામ કરાતુ હોય છે.
માર્કેટની સ્થિતિને લઈને દર વર્ષે દવાઓના ભાવમાં વધારો કરાતો હોય છે. દર વર્ષે ૦.૫ થી ૨ ટકા સુધીનો ભાવ વધારો કરાતો હતો. પરંતુ, ચાલુ નાણાકીય વર્ષમાં ૮૭૨ જેટલી દવાઓના ભાવમાં ૧૦ ટકા ભાવ વધારો મંજૂર કરાયો છે. ચીનથી કાચા માલની આયાત બંધ થતા, ઈંધણમાં ભાવ વધારો થતા ેતમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરથી કેટલીક વસ્તુઓ આયાત નહી થઈ શકતાં ત્રણેય પરિબળોની અસરના કારણે દવાઓના ભાવમાં ૧૦ ટકા વધારો કરાયો છે.