ગરવી તાકાત મેહસાણા: વિજાપુર તાલુકાના અબાસણામાં જૂના ઝઘડાની અદાવતને લઈ એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે સોમવારે અથડામણ થઈ હતી. જેમાં ધારિયા, લાકડી, પાઈપ વડે એકબીજા ઉપર હુમલો કરી પથ્થરમારો કરાતાં બંને પક્ષોના 10 લોકોને ઈજા પહોંચી હતી. લાડોલ પોલીસે બંને પક્ષોના 15 લોકો સામે ગુનો નોંધ્યો હતો. આ ઘટનાને લઇ ગામમાં તંગદિલી છવાઇ ગઇ હતી. જેથી ગામમાં વધુ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
અબાસણાના રજુજી બબાજી ઠાકોર ખેતરેથી ઘરે આવતા હતા તે સમયે જૂની અદાવતને લઈ પથ્થરમારો કરતાં એક કિશોરીને વાગતાં તેઓ ઠપકો આપવા જતાં સંજયજી જેસંગજી ઠાકોર સહિત 9 શખ્સોએ લોખંડની પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. જેમાં રજુજી, રાયભણજી, કિશનજી સહિતને ઈજા થઇ હતી. જેમને વડનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવ અંગે રજુજી ઠાકોરે સંજયજી ઠાકોર સહિત 9 શખ્સો સામે ખૂનની કોશિશ, રાયોટિંગ, મારામારી અંગે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામે પક્ષે નોંધાયેલી ફરિયાદ મુજબ, ચેહરાજી રમેશજી ઠાકોર કંકોત્રી આપવા મંડાલી જતા હતા, તે સમયે ગામના દિનેશજી શંંકરજી ઠાકોરે જૂના ઝઘડાની અદાવતને લઈ અપશબ્દો બોલ્યા હતા. જેના કારણે બંને પક્ષોના લોકો વચ્ચે ધારિયા, પાઈપ, લાકડી અને ધોકા વડે મારામારી થઈ હતી. જેમાં ચેહરાજી ઠાકોર, મિતેશજી ઠાકોર, જેકાજી ઠાકોર, જેસંગજી ઠાકોર, વિશાલજી ઠાકોર, દિનેશજી ઠાકોર સહિત 6 જણાને ઇજા થઇ હતી. આ બનાવ અંગે ચેહરાજી રમેશજી ઠાકોરે કનુજી રાયભણજી ઠાકોર સહિત 6 લોકો રાયોટિંગ અને મારામારીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે લાડોલ પોલીસે બંને જૂથના 15 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.