10% આર્થિક અનામતમાં ભારત અને ગુજરાત સરકારના નિયમો અલગ-અલગ : નિતિન પટેલ

શેર કરવા અહીં ક્લિક કરો.
  • જમીન અને મકાન સહિતના ધારાધોરણને બદલે એક માત્ર રૂ.8 લાખથી ઓછી કૌટુંબિક આવક જ માપદંડ નકકી કર્યો

ભારત સરકારે તાજેતરમાં સર્વણોને 10% અનામતની જોગવાઈ કરી છે. જેને લઇ ભારત સરકાર સહિત રાજયોમાં લાગુ પાડવા જોગવાઇઓ,નિયમો અને ધારાધોરણો તૈયાર થઇ રહયા છે. જેમાં બુધવારે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે સ્પષ્ટતા કરતા ભારત સરકાર અને ગુજરાત સરકાર વચ્ચેના નિયમોમાં તફાવત હોવાનું સામે આવ્યુ છે. રાજય સરકારે કેન્દ્રના તમામ ધારાધોરણોનો છેદ ઉડાડી માત્ર ૮ લાખની કૌટુંબિક આવક મર્યાદા રાખી છે.બુધવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં ૧૦ ટકા અનામતને લઇ કેટલીક બાબતો રજુ કરી હતી. જેમાં અનામતના લાભ માટે જે કોઇ ધારાધોરણો નકકી કરવાના છે તેને લઇ સ્પષ્ટતા કરતા ભાજપના નેતૃત્વવાળી ભારત અને ગુજરાત સરકાર વચ્ચે મોટા તફાવત હોવાનું સામે આવ્યુ છે. ભારત સરકારે 5 એકરથી ઓછી ખેતીની જમીન તેમજ 1000 ચોરસફૂટથી ઓછા રહેણાંકની જગ્યા સહિતના ધારાધોરણો નકકી કરેલા છે. જેની સામે ગુજરાત સરકારે પ્રોપર્ટીના તમામ ધારાધોરણોને સાઇડલાઇન કરી માત્ર ૮ લાખની આવક મર્યાદા અનામતના લાભ માટેની લાયકાત નકકી કરી છે. નિતિન પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, કેબિનેટમાં થયેલી વિશદ ચર્ચા અને સમાજ કલ્યાણ અને નાણાં વિભાગ સાથે મુખ્યમંત્રીના અગ્ર સચિવ તેમજ મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથેની ચર્ચા અને સૂચનોના અંતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

સવર્ણ ઉમેવારની આવક, તેના માતા-પિતાની આવક કે ભાઈ-બહેનની આવક, પગારની આવક, ખેતીવાડીની આવક, ધંધા-વ્યવસાયની આવક સહિતની તમામ આવક મળીને જો કુલ રૂ.8 લાખથી ઓછી હોય તો જ 10 % આર્થિક અનામતનો લાભ મળશે.

આ સાથે 1978થી ગુજરાતમાં રહેતા તમામ આર્થિક સવર્ણ પરીવારને અનામત મળશે. આ સાથે 33% મહિલા અનામતમાં પણ આ જોગવાઈઓ આર્થિક પછાત સવર્ણ મહિલાઓને લાગુ પડશે.

 

શેર કરવા અહીં ક્લિક કરો.