અસામાજિક તત્ત્વોને નાથવા અને પ્રજાની સુરક્ષા માટે સતત દોડતા, કોરોના મહામારી જેવા સમયમાં પણ પ્રજાની રક્ષા માટે સરકારની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરાવવા રાત-દિવસ કાર્યરત રહેતા કોરોના વોરિયર્સ એવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાના ૭૮ પોલીસ અધિકારી-કર્મચારીઓ હાલ કોરોનાથી સંક્રમિત છે તો અત્યાર સુધી જિલ્લાના ૧૦૪ પોલીસ કર્મચારીઓ કોરોનાને હરાવીને ફરીથી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે જિલ્લા પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ કોરોના સંક્રમિત પોલીસ જવાનોની સારવાર બાબતે વિશેષ કાળજી લઈ રહ્યા છે.
જિલ્લામાં કોરોના મહામારીના પ્રથમ વેવથી જ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ સતત પ્રજાની સુરક્ષા માટે ફ્રન્ટલાઈન પર કામગીરી કરી રહ્યા છે, લોકડાઉનના સમયે પોલીસે લોકડાઉનનું પાલન કરાવવા કડકાઈ દેખાડી હતી તો સાથે સાથે જરૂરિયાતમંદોની મદદ અને સેવા કરીને માનવીય સંવેદના પણ ઉજાગર કરી હતી. પ્રજાની સુરક્ષા માટે રાત-દિવસ જોયા વગર કાર્યરત રહેતા પોલીસ અધિકારી-કર્મચારીઓ કોરોના મહામારીના સમયે રજા પણ લઈ શકતા નથી ત્યારે આ મહામારીના સમયે ફ્રન્ટલાઈનમાં ફરજ બજાવતા જિલ્લાના 1 DySP, 3 PI, 4 PSI સહિત 78 અધિકારીઓ-કર્મચારીઓ હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જે પૈકી ૩ અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ અત્યાર સુધી સંક્રમિત થવાથી સારવાર મેળવવા રજા લીધા બાદ કોરોનાને હરાવીને સ્વસ્થ થઈને ૧૦૪ પોલીસ કર્મચારીઓએ ફરીથી પોતાની ફરજ સંભાળી લીધી છે. પરંતુ નંદાસણ પોલસ મથકે ફરજ બજાવતા એએસઆઈ ચિમનભાઈ તાજેતરમાં કોરોના સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું, તો મહેસાણા શહેર અને તાલુકા પોલીસ મથકે ફરજ બજાવ્યા બાદ ગાંધીનગર જિલ્લામાં બદલી થયેલા પીઆઈ વી.વી.ત્રિવેદીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું તે બાબતનો રંજ પણ જિલ્લાના પોલીસ પરિવારને છે.
મહેસાણા જિલ્લાની પોલીસ માટે સારી બાબત એ પણ છે કે, જિલ્લા પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ પોતે ડોક્ટર હોઈ તેઓ કોરોના સંક્રમિત પોલીસ અધિકારી-કર્મચારીઓની ખાસ કાળજી લઈ રહ્યા છે. સંક્રમિત પોલીસ કર્મચારીઓના રિપોર્ટ જોઈ તેમને સારવાર માટે જરૂરી માર્ગદર્શન આપે છે. કાઉન્સિલિંગ પણ કરે છે. જિલ્લા પોલીસવડાએ જે પોલીસ કર્મચારીઓને હૃદય-ફેફસાં સંબંધિત બિમારી હોય તેવા જવાનોને હોસ્પિટલ કે અન્ય સંક્રમણ થવાની સંભાવનાવાળા સ્થળના બદલે ઓછા લોકસંપર્ક વાળા સ્થળે ફરજ સોંપવાના પણ આદેશ કર્યા છે.
જિલ્લા પોલીસવડા કોરોના સંક્રમિત અધિકારી-કર્મચારીઓની વિશેષ કાળજી લઈ રહ્યા છે
જિલ્લામાં સંક્રમિત થયેલા પોલીસ જવાનોને સમયસર સારવાર મળી રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ દ્વારા ૧ ડીવાયએસપી અને ૨ પીએસઆઈની નોડલ તરીકે નિમણૂક કરાઈ છે. જેઓ સંક્રમિત પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ થવા સહિત સારવારમાં મદદરૂપ થાય છે. ઉપરાંત કન્ટ્રોલરૂમમાંથી દિવસમાં બે વખત સંક્રમિત કર્મચારીને ફોન કરીને તેના ઓક્સિજન (SPO2) લેવલ સહિત તબિયત અંગે પૂછપરછ કરવામાં આવે છે, જે માહિતી આધારે તેમને મદદ પહોંચાડવામાં આવે છે. જિલ્લા પોલીસવડાનાં પત્ની ડૉ.આર.પી.ગોહિલ ફેફસાંનાં નિષ્ણાત (પલ્મોનોલોજીસ્ટ) હોવાથી જિલ્લાના પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે તેમણે પણ સવારે ૧૧થી ૧ વાગ્યા દરમિયાન હેલ્પલાઈન શરૂ કરી છે અને તેઓ સંક્રમિતોને સારવાર સંબંધિત માર્ગદર્શન આપે છે.