ભારત સરકારના રોડ મંત્રાલયે ડેટા શેર કર્યો છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે
રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં કુલ 4,61,312 રોડ અકસ્માતો થયા જ્યારે 4,43,336 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
નવી દિલ્હી તા.31 – ભારતમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યાએ ફરી ડરાવી દીધા છે. કેટલી મોટી સંખ્યામાં લોકો રોડ અકસ્માતનો શિકાર થઈ રહ્યાં છે, તેને લઈને ભારત સરકારના રોડ મંત્રાલયે ડેટા શેર કર્યો છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં કુલ 4,61,312 રોડ અકસ્માતો થયા, જેમાં 1,68,491 લોકોના મોત થયા, જ્યારે 4,43,336 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય તરફથી જાહેર ભારતમાં માર્ગ અકસ્માતો-2022′ શીર્ષક સાથે પ્રકાશિત રિપોર્ટ કહે છે કે વાર્ષિક આધાર પર રોડ અકસ્માતોની સંખ્યામાં 11.9 ટકાનો વધારો થયો છે અને તેનાથી થનારા મૃત્યુનો આંક 9.4 ટકા વધ્યો છે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થનારા લોકોની સંખ્યા 15.3 ટકાનો વધારો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર દેશમાં 2022માં કુલ 4 લાખ 61 હજાર 312 રોડ અકસ્માત થયા, જેમાંથી 1,51,997 એટલે કે 32.9 દુર્ઘટના એક્સપ્રેસવે તથા રાષ્ટ્રીય રાજમાર્ગો (એનએચ) પર થઈ છે. તો 1,06,682 એટલે કે 23.1 ટકા દુર્ઘટના રાજ્ય રાજમાર્ગ જ્યારે 2,02,633 એટલે કે 43.9 ટકા અકસ્માત અન્ય રસ્તાઓ પર થયા છે.
રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022માં થયેલા રોડ અકસ્માતમાં કુલ 1 લાખ 68 હજાર 491 લોકોના મોત થયા છે. તેમાંથી 61038 એટલે કે 36.2 ટકા લોકોના મોત નેશનલ હાઈવે પર થયા, 41,012 એટલે કે 24.3 ટકા મોત સ્ટેટ હાઈવે અને 66441 એટલે કે 39.4 ટકા લોકોના મોત અન્ય રોડ અકસ્માતમાં થયા છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો આ વાર્ષિક અહેવાલ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગો પાસેથી પ્રાપ્ત ડેટા/માહિતી પર આધારિત છે. આ માહિતી એશિયા-પેસિફિક રોડ એક્સિડન્ટ ડેટા (APRAD) પ્રોજેક્ટ હેઠળ યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (UNESCAP) દ્વારા પ્રમાણિત ફોર્મેટમાં એકત્રિત કરવામાં આવી છે.