ગરવીતાકાત હેલ્થ ડેસ્ક: ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે અનુસાર, દિલ્હીમાં 10.5% યુવાન લોકો, 16.7% પુરુષો અને 2.8% મહિલાઓ ગુટખા, ખૈની અને જર્દાનો ઉપયોગ કરે છે. દર વર્ષે 55 લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે, સર્વેક્ષણ મુજબ આ આંકડો 2020 સુધી 1 કરોડ પાર કરી લેશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, ભારતમાં 12 કરોડ લોકો એવા છે જે ધૂમ્રપાન કરે છે. તેમાં 10 લાખથી વધુ લોકો એવા છે જે ધૂમ્રપાનના કારણે મૃત્યુ પામે છે.

વર્ષ 2018માં હાથ ધરાયેલા એક સર્વે મુજબ, ભારતમાં ધૂમ્રપાન કરતી મહિલાઓની સંખ્યા 1.21 કરોડ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મહિલાઓમાં સ્મોકિંગથી વધતા કિસ્સાઓ તેમની પ્રજનન ક્ષમતાને અસર કરે છે. એવી મહિલાઓની સંખ્યા પણ ઓછી નથી જેઓ પેસિવ સ્મોકિંગથી પીડિત છે. પેસિવ સ્મોકિંગનો અર્થ એ થાય છે કે તેમની આજુબાજુ સતત કોઈ ધૂમ્રપાન કરી રહ્યું છે અને તે તેમને અસર કરી રહ્યું છે. દર વર્ષે લોકોને તમાકુના જોખમો જણાવવા અને જાગ્રત કરવા માટે 31મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે.

સ્મોકિંગ મહિલા-પુરુષ બંનેની પ્રજનન ક્ષમતા ઘટાડે છે
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મહિલાઓમાં પેસિવ સ્મોકિંગ ગર્ભધારણમાં વિલંબ થવાની પરિસ્થિતિનું કારણ બની શકે છે. આ અંડાશયને તો અસર કરે જ છે પણ સાથે પ્રજનન ક્ષમતા પણ ઘટાડે છે. ધુમાડામાં રહેલા ઝેરીલા રસાયણો શરીરમાં પહોંચે છે અને ફેફસાં સાથે શરીરના અન્ય ભાગોને પણ નુકસાન પહોંચાડે છે. ધૂમ્રપાન પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી અને નબળી કરી શકે છે. આ સિવાય ધૂમ્રપાન કરતી મહિલાઓની ફેલોપિયન ટ્યુબમાં પણ સમસ્યા પેદા થઈ શકે છે.

હુક્કો પણ જોખમી છે
ભારતમાં અત્યારે હુક્કાનું ચલણ પણ વધ્યું છે. મોટાભાગના લોકોને લાગે છે કે આ તમાકુની સરખામણીએ એટલો નુકસાનકારક નથી. પરંતુ આ વાત ખોટી છે. હુક્કામાં વપરાતું તમાકુ સિગારેટની સરખામણીએ લોકોને વધુ નુકસાન પહોંચાડે છે. આ કોઈપણ રૂપે તમાકુ ચાવવા જેટલું અથવા ધૂમ્રપાન કરવા જેટલું જ ખરાબ છે.

સમય કરતાં પહેલાં કરચલીઓ પડવાનું કારણ સ્મોકિંગ
તમાકુ ફેફસાં માટે જેટલું જોખમકારક છે એટલું કેન્સરનું જોખમ પણ વધારે છે. તેની અસર ત્વચા પર સમય કરતાં પહેલાં કરચલીઓ રૂપે જોવા મળે છે. ગાલ અને હોઠ પર ઊંડી રેખાઓ અને આંખના ખૂણામાં પડતી કરચલીઓ પણ ધૂમ્રપાનનું પરિણામ છે. આ બે રીતે અસર કરે છે, પહેલું એ કે તેના ધુમાડામાં રહેલાં રસાયણો સ્કિન પર ભેગા થઇને તેને સૂકવે છે અને બીજું એ કે તે રક્ત વાહિનીને અસર કરે છે. તેનાથી ઓક્સિજન ઓછો મળે છે, જે ત્વચા રોગ તરીકે દેખાય છે.

આ રીતે તમાકુની લત છોડી શકાય

  • તમાકુ અને તેને સંબંધિત ઉત્પાદનો ધીમે ધીમે છોડવાનો પ્રયાસ કરો.
  • જ્યારે તમાકુ ખાવાની ઈચ્છા થાય ત્યારે મોઢામાં મુખવાસ, ચોકલેટ, લવિંગ અથવા ઇલાયચી રાખો.
  • દૈનિક 30 મિનિટ ધ્યાન કરો અને સંગીત અથવા રમત જેવી અન્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • તાણથી દૂર રહો કારણ કે તે સતત તમાકુ ખાવા તરફ લઈ જવાનો પ્રયાસ કરે છે.
  • જીવનશૈલીમાં વ્યાયામને ભાગ બનાવો.
  • વધુ ગંભીર પરિસ્થિતિમાં ડોક્ટરની મદદ લો.

શરીરના ઘણા ભાગોમાં કેન્સર થવાનું કારણ
કેન્સરના કેસો વધવાનું એક મોટું કારણ તમાકુ છે. આ હોઠ, અન્ન નળી, ફેફસાં અને મોઢાનું કેન્સર થવાનું કારણ પણ બને છે. આ ઉપરાંત, મહિલાઓમાં પણ તમાકુ ખાવાને કારણે કેન્સરનું થવાનું જોખમ રહેલું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તમાકુ અથવા સ્મોકિંગ છોડ્યાના 12 કલાકમાં શરીરમાં હકારાત્મક ફેરફાર થવાના શરૂ થઈ જાય છે. શરીરમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર ઘટે છે. લોહીનો પ્રવાહ અને ફેફસાંની ક્ષમતા વધવા લાગે છે.