કચ્છ

બોર્ડર સિકયૉરિટી ફોર્સ (બીએસએફ)ને શનિવારે કચ્છ જિલ્લા નજીક ઇન્ડો-પાક બોર્ડર પાસેથી ‘હરામી નાલા’ ક્રીક વિસ્તારમાંથી બે ત્યજાયેલી હોડીઓ મળી આવી હતી.

સિંગલ એન્જિન ધરાવતી બે પાકિસ્તાની હોડીઓ મળી આવ્યાં બાદ સઘન સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પણ આ વિસ્તારમાંથી કશું શંકાસ્પદ મળી આવ્યું નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

‘શનિવારે પરોઢિયે આશરે ૬.૩૦ વાગ્યે બીએસએફની પેટ્રોલિંગ કરી રહેલી ટુકડીએ હરામી નાલા વિસ્તારમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી હતી. આ વિસ્તારમાંથી કશું શંકાસ્પદ મળી આવ્યું ન હોવા છતાં સઘન સર્ચ ઑપરેશન હજી ચાલુ છે.’

ઉલ્લેખનીય છે કે ‘હરામી નાલા’ સિરક્રીકની નિષ્ક્રિય અને છીછરા પાણીની ખાડી છે, જ્યાંથી પાકિસ્તાની માછીમારો અથવા તો ત્યજાયેલી બોટની જપ્તીના કેસ નોંધાતા રહે છે.