ગાંધીનગર
કર્ણાટક વિધાનસભાના હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. ભાજપના નેતા યેદિયુરપ્પાએ પોતાનું રાજીનામું આપી દીધું હતું. જોકે, હવે કર્ણાટકના રાજ્યપાલ પદેથી વજુભાઇ વાળા રાજીનામું આપી દે તેવી શક્યતાઓ છે. વર્ષોથી રાજકારણ સાથે સંકળાયેલા અને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા એવા વજુભાઇ વાળા નૈતિકતાના ધોરણે રાજ્યપાલ પદેથી રાજીનામું આપે તેવી શક્યતાઓ છે. ઉપરાંત યશવંત સિંહાએ પણ ગર્વનરના રાજીનામાની માગ કરી છે.
ગુજરાતના પીઢ રાજકારણી એવા અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાનો વર્ષોથી સફેદ શર્ટ અને સફેદ પેન્ટ તેમનો ડ્રેસકોડ રહ્યો છે. ઘણા વર્ષોથી સફેદ પેન્ટ-શર્ટ જ વજુભાઈ વાળાનો એક પેટન ડ્રેસ રહેલો છે, ત્યારે કર્ણાટકના રાજ્યપાલ તરીકે તેમની આ ઇનિંગ્સમાં તેમના સફેદ કપડામાં ડાઘ લાગી ગયો હોય તેવું વિરોધ પક્ષ તો ઠીક ભાજપના કેટલાક ગુજરાતના નેતાઓ પણ માની રહ્યા છે. વર્ષો સુધી સફેદ કપડાને સ્વચ્છ રાખનાર વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ બન્યા બાદ છેલ્લા અઢી દિવસની ઘટના બાદ તેમના સફેદ કપડા પર ડાઘ લાગી ગયો હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.
વર્ષોથી રાજકારણ સાથે સંકળાયેલા વજુભાઈ વાળા ગુજરાતમાં 25 વર્ષ કરતાં વધુ સમય સુધી અનેક હોદ્દા ઉપર રહી ચૂકેલા છે. ખાસ કરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી. બંધારણ અને લોકશાહીની ગરીમા બચાવવા અને જાળવવા માટે વજુભાઈ વાળાએ ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ તરીકેની ફરજ બજાવી હતી.
રાજકોટના મેયરથી માંડીને સૌથી વધુ બજેટ રજૂ કરનાર ગુજરાતના નાણામંત્રી તરીકે પણ રહી ચૂકેલા વજુભાઈ વાળા ભૂતકાળમાં નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ પણ રહ્યા હતા. આમ લોકશાહી અને બંધારણ માનનારા અને એકદમ સિદ્ધાંતને વરેલા એવા એક ગુજરાતી વજુભાઈ વાળા કર્ણાટક વિધાનસભામાં આજે બનેલી ઘટનાને અનુલક્ષીને નૈતિકતાના ધોરણે રાજ્યપાલ પદેથી રાજીનામું આપી દે તેવી શક્યતાઓ છે. વજુભાઇ વાળા સાથે અગાઉ કામ કરી ચૂકેલા ભાજપના કેટલાક નેતાઓનું કહેવું છે કે, વજુભાઈ વાળા નીતિ નિયમો અને સિદ્ધાંતોના બહુ જ આગ્રહી છે, ત્યારે આજની કર્ણાટકની ઘટના બાદ વજુભાઈ વાળા રાજીનામું આપી દે તો નવાઈ નહીં.

Contribute Your Support by Sharing this News: