સાબરકાંઠાના ખેતરમાં ગયેલા 11 વર્ષિય કિશોરની લાશ મળી, પોલીસ તપાસ શરૂ

શેર કરવા અહીં ક્લિક કરો.
સાબરકાંઠાઃ સાબરકાંઠા જીલ્લાના ગાંભોઇ નજીક આવેલા માનપુર ગામના ૧૧ વર્ષીય કિશોર તેના પિતા છેલ્લા એક વર્ષથી બીમારીના લીધે પથારીવશ હોવાથી અભ્યાસની સાથે ખેતીમાં પણ પરિવારને મદદરૂપ થતો હતો. ખેતરમાં પાણી વાળવા ઘરેથી નીકળ્યા પછી કિશોર એકાએક ગુમ થતા પરિવારજનોએ ભારે શોધખોળ હાથધરી હતી. મંગળવારે વહેલી સવારે ખેતર નજીક પસાર થતા રોડની બાજુની ઝાડી માંથી લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી. પરિવારજનોએ સ્થળ પર પહોંચી આક્રંદ કરી મૂક્યું હતું. ગાંભોઇ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક કિશોરની લાશને પેનલ પીએમ માટે ગાંભોઇ સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
માનપુર ગામનો ધો-૬માં અભ્યાસ કરતો ભરતસિંહ અશોકસિંહ મકવાણા (ઉં.વર્ષ-૧૧) તેના પિતા બીમારીના પગલે છેલ્લા એક વર્ષથી પથારીવશ હોવાથી ભરતસિંહ ઘરના મોભી તરીકે જવાબદારી સ્વીકારી લઈ અભ્યાસ સાથે માતાને ખેતીના કામમાં મદદરૂપ બનતો હતો.
સોમવારે બપોરે ૧:૩૦ વાગ્યાના સુમારે ઘરેથી ખેતરમાં પાણી વાળવા ભરતસિંહ મકવાણા નામનો કિશોર નીકળ્યો હતો. બપોરના ત્રણ વાગ્યાના સુમારે તેની બહેન ભાઈ માટે ચા લઈને ખેતરમાં જતો ભાઈ જોવા ન મળતા પરિવારજનોએ આજુબાજુના ખેતરો અને વિસ્તારોમાં દિવસે અને આખી રાત સધન શોધખોળ હાથધરી હતી. મંગળવારે વહેલી સવારે ખેતરની નજીક રોડ બાજુમાં ઝાડી-ઝાંખરામાં લાશ પડી હોવાની પરિવારજનોને જાણ થતા પરિવારજનો અને ગામલોકો ઘટનસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે ગાંભોઇ પોલીસ સ્ટેશને જાણ કરતા પીએસઆઈ દેસાઈ અને તેમની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક કિશોરની લાશને પેનલ પીએમ માટે મોકલી આપી પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
શેર કરવા અહીં ક્લિક કરો.