મહેસાણાઃ વિસનગર તાલુકાની યુવતીને પ્રેમસંબંધનો કડવો અનુભવ થયો છે. યુવતીને ત્રણ વર્ષ પહેલા લગ્નપ્રસંગમાં મહેસાણા તાલુકાના યુવક સાથે પરિચય થયો હતો અને આ પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. ત્રણ વર્ષમાં બંને અવાર-નવાર મળતા હતા અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા. આ સમયે યુવકે યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. દરમિયાન યુવતીના અન્ય જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. જોકે, લગ્ન પછી પણ યુવકે પ્રેમિકાનો પીછો છોડ્યો નહોતો અને પ્રેમિકાના લગ્નને લઈને નારાજગી જતાવી હતી. તેમજ યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી ત્રણ મહિના પહેલા મળવા બોલાવી હતી. તેમજ લગ્ન પછી પણ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, ત્રીજી વખત પ્રેમીએ બોલાવતાં યુવતીએ મળવા માટે ઇનકાર કરી દીધો હતો. જેને કારણે ઉશ્કેરાયેલા યુવકે યુવતીની અશ્લીલ તસવીરો તેના સસરાને મોકલી દેતાં ખળભળાટ મચી ગયો હતો. પ્રેમસંબંધ તોડી નાંખ્યા પછી યુવકે આવી હરકત કરતાં યુવતીએ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધી મૂળ મહેસાણા તાલુકાના અને અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા યુવકની અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો.