વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત મોડલના મુદ્દે કોંગ્રેસે ધારદાર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે જણઆવ્યું કે, પીએમ મોદીનું ગુજરાત મોડલ નિષ્ફળ ગયું છે જે ફક્ત પબ્લિસિટી, સારી હેડલાઈન અને પીઆર મેનેજમેન્ટ સુધી સિમિત છે અને હાલના કપરા સમયમાં તે ઉઘાડું પડ્યું છે. આ જ મોડલને પીએમ છેલ્લા છ વર્ષથી દેશમાં લાગુ કરી રહ્યા છે. કોંગ્રેસે જણાવ્યું કે, છત્તીસગઢ સરકારે જેમ મફત રસી ઉપલબ્ધ કરાવી તેમ તેમના શાસન હેઠળના રાજ્યોમાં તેઓ તમામને મફત રસી માટે પ્રોત્સાહન આપશે. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં પરિસ્થિતિ કાબુ બહાર છે અને ભાજપ સરકારની નિષ્ફળ નીતિઓને પગલે લોકો ટળવળી રહ્યા છે. સાતવે જણાવ્યું કે, 2014માં નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હતા, તેમણે તે વખતે ગુજરાત મોડલને આગળ ધરતા કહ્યું હતું કે, ભારતનો પણ આ જ રીતે વિકાસ કરવામાં આવશે. તે વખતે કોઈ સમજ્યું નહતું કે ગુજરાત મોડલ ફક્ત પબ્લિસિટી, સારી હેડલાઈન અને પીઆર મેનેજમેન્ટ સુધી સિમિત છે. છેલ્લા છ વર્ષથી વડાપ્રધાન ગુજરાત મોડલનું અનુકરણ દેશમાં કરી રહ્યા છે. ભાજપ સરકારે ગુજરાતમાં આરોગ્ય માળખામાં કોઈ વધારો કર્યો નથી કે તેમાં સુધોરો પણ કર્યો નથી. ફક્ત કોંગ્રેસના નેતાઓને ખરીદવાનું કામ કર્યું છે.તેમણે દાવો કર્યો કે છેલ્લા 25 વર્ષ જે પૈકી 15 વર્ષ મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા તે ગાળામાં ભાજપ સરકારે રાજ્યમાં એકપણ હોસ્પિટલનો ઉમેરો કર્યો નથી. વર્તમાન તમામ હોસ્પિટલો કોંગ્રેસના શાસનકાળમાં ઉભી થઈ હતી. તેમણે પીએમને હોમ સ્ટેટ ગુજરાતમાં થોડો સમય વિતાવવા જણાવ્યું હતું.ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોરોનાની પ્રથમ લહેર ‘નમસ્તે ટ્રમ્પ’ને લીધે જોવા મળી જ્યારે કોરોનાની બીજી લહેર માટે જય શાહ દ્વારા યોજવામાં આવેલ ‘નમસ્તે સ્ટમ્પ’ જવાબદાર છે. ગુજરાતમાં સ્થિતિ કાબુ બહાર છે જેના માટે રાજ્ય સરકારની નિષ્ફળ નીતિઓ અને મોડલ જવાબદાર છે. અપ્રાકૃતિક તેમજ સરકાર દ્વારા સર્જીત આફતથી લોકો મરી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.ચાવડાએ વધુમાં દાવો કર્યો કે ગુજરાતના 14 જિલ્લામાં હજુ પણ સીટી સ્કેન મશિન ઉપલબ્ધ નથી તેમજ આરટી-પીસીઆર ટેસ્ટ પણ નથી થઈ રહ્યા.ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો હતો કે સરકાર સત્ય તેમજ મૃતકોના આંકડા છુપાવી રહી છે. અમે રેમડેસિવિર ઈન્જેક્શનના સ્ટોક કરવા બદલ કેટલાક લોકો વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે.