કર્ણાટક ઉપર ભગવો લહેરાઈ ગયો છે. જો કે કર્ણાટકના ચૂંટણી પરિણામ પહેલા ભાજપના કેન્દ્રીય નેતાઓએ ગુજરાતના પ્રધાનમંડળમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈ લીધો હતો. જેમાં સૌથી મહત્વનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકવાનો નિર્ણય લેવામાં આવી ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

સુત્રોની જાણકારી પ્રમાણે આ અંગે સત્તાવાર રીતે નીતિન પટેલને પણ જાણકારી આપી દેવામાં આવી છે. જો કે નીતિન પટેલને પ્રધાનમંડળમાં ખસેડી ક્યા સ્થાન ઉપર બેસાડવામાં આવશે તે સ્પષ્ટ નથી. પરંતુ આ સંદર્ભમાં બે જુદા જુદા કારણો સામે આવી રહ્યા છે, જેમા વિજય રૂપાણીની સરકાર રચાયા પછી ખાતાની ફાળવણીમાં નીતિન પટેલે ત્રાગુ કર્યુ હોવાને કારણે નરેન્દ્ર મોદી નારાજ થયા હતા. જેના પરિણામ સ્વરૂપ તેમને હવે પડતા મુકવાનો સમય આવી ગયો છે તેવુ સુત્રોનું કહેવુ છે. જ્યારે બીજા મત પ્રમાણે  આવનારી લોકસભાની ચૂંટણીમાં નીતિન પટેલને  ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા હોવાનું જાણાવી તેમને નાયબ મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામુ આપવા માટે મનાવી લેવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીને જ્યારે એક વર્ષનો જ સમય રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી પોતાના હોમ ગ્રાઉન્ડની સ્થિતિને સુધારવામાં લાગી ગયા છે. વિજય રૂપાણીને સત્તાનું સુકાન બીજી વખત સોંપ્યા પછી નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં વિજય રૂપાણી ભાજપ તરફી મત બેન્કને જાળવી રાખવામાં ક્યાંક કાચા પડી રહ્યા હોવાનું કેન્દ્રીય નેતા માને છે. જો કે પ્રધાનમંડળમાં સંભવિત ફેરફારમાં મુખ્યમંત્રીને બદલવામાં આવે તેવી સંભાવના નહિવત જોવામાં આવી રહી છે, છતા નરેન્દ્ર મોદીના મનને હજી કોઈ કળી શક્યુ નથી. બીજી તરફ અમિત શાહનું પીઠબળ વિજય રૂપાણીને હોવાને કારણે રૂપાણીને વાંધો આવશે નહીં તેવુ સુત્રોનું કહેવુ છે. પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પ્રધાનમંડળમાંથી જવુ નિશ્ચીત માનવામાં આવી રહ્યુ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે પણ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે સામાન્ય માણસ પણ જોઈ શકે એટલુ અંતર  તેઓ નીતિન પટેલ સાથે રાખી રહ્યા છે.
પ્રધાનમંડળ અને સંગઠનમાં સાથે જ ફેરફાર થશે, 2019ની ચૂંટણીને ધ્યાનમાં લઈ આ ફેરફારનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંડળમાં કેટલાક નેતાઓને ખસેડી સંગઠનમાં મુકાશે, જ્યારે સંગઠનના કેટલાંક નેતાઓ પ્રધાનમંડળમાં જાય તેવી પણ સંભાવના છે.

SHARE

Facebook
Twitter
Contribute Your Support by Sharing this News: