ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ શરૂ થઈ હોય તેમ રાજ્યના મુખ્યમંત્રીને બદલવાની રાજકીય પ્રક્રિયા ભાજપમાં શરૂ થઈ હોવાનું મનાઈ રહ્યું છે અને નવા મુખ્યમંત્રી તરીકે પાટીદાર સમાજના તથા કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવીયાનું સૌથી મોખરે ચાલી રહ્યું છે . લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના નાથને બદલવાની પ્રક્રિયા પૂર્ણ કરી તે પછી ભૂતપૂર્વ બનેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લોકસભાની ચૂંટણીમાં જીતાડી દિલ્હી લઈ જવામાં આવે અને તેની સાથે સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ દૂર કરવામાં ભાજપને ખૂબ જ સરળતા રહેશે. આમ એક રીતે જોતા મુખ્યમંત્રી બદલાય કે ન બદલાય પણ નીતિન પટેલનું રાજકીય બલિદાન નક્કી થઈ ગયું છે અને આ તેમનું ત્રીજું ઘોર અપમાન ગણાશે.
રાજકીય નિરીક્ષકો કહે છે કે પાટીદાર અનામત આંદોલન ફરીથી શરૂ થવા જઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાં તમામ 26 બેઠકો ફરીથી જીતવા પાટીદારોની નારાજગી પાલવી શકે નહીં તેથી વિજય રૂપાણીના સ્થાને પાટીદાર સમાજમાંથી માંડવીયાને સત્તાના સૂત્રો સોંપવામાં આવે અને રૂપાણીને રાજકોટથી તથા નીતિન પટેલને મહેસાણાની ટિકિટ આપીને લોકસભાની ચૂંટણીમાં ઉતારવાની ગણતરીઓ ચાલી રહી છે. અગાઉ નીતિન પટેલનું બે વખત રાજકીય અપમાન થયું છે. મુખ્યમંત્રી પદનો પ્યાલો છેક હોઠે આવીને છીનવી લેવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાંક સમયથી નીતિન પટેલનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે અને તેમને દૂર કરાશે એવી અટકળોની વચ્ચે નીતિન પટેલ શંકરસિંહ વાઘેલાના માર્ગે જઈને બળવો કરશે એવી અટકળો પણ વહેતી થઈ હતી. હવે મુખ્યમંત્રી બદલવાની વાતો શરૂ થઈ છે, જેમાં પાટીદાર નેતા માંડવીયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો દેખીતી રીતે રૂપાણી દૂર થાય અને તેની સાથે નીતિન પટેલને પણ સરકારમાંથી દૂર કરવામાં આવે. માંડવીયા સીએમ થાય તો નીતિન પટેલને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે એ પણ નક્કી છે કેમ કે નાણાંખાતાની જીદને લઈને તેઓ પક્ષમાં અળખામણા બની ગયા છે. તેમની છાપ અસંતુષ્ટ તરીકેની પડી ગઈ છે. તેથી નેતાગીરી બદલતી વખતે તેઓ સીએમ પદનો દાવો કરે તે પહેલા રૂપાણીની સાથે તેમને પણ વિદાય આપી દેવામાં આવે, આમ મુખ્યમંત્રી બદલાઈ કે ન બદલાઈ પણ નીતિન પટેલની હકાલપટ્ટી નક્કી થઈ ગઈ હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.
જો કે સુજલામ સુફલામ જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે વડોદરા આવેલા કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ, શિપીંગ, કેમિકલ-ફર્ટિલાઇઝર્સ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવિયાને પત્રકારો દ્વારા પુછવામાં આવ્યું હતું કે, શું તમે ગુજરાતના મુખ્યમંત્રી બનવાની રેસમાં છો તેના જવાબમાં મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે, હું મુખ્યંત્રીની રેસમાં નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જ રહેશે. મુખ્યમંત્રી બદલવા અંગે જે અફવાઓ ચાલી રહી છે તે ખોટી છે.

Contribute Your Support by Sharing this News: