કારણ વગર બહાર નીકળેલા લોકોને પોલીસે ‘અમે સમાજના દુશ્મન છીએ’ તેવું બોર્ડ પકડાવી ફોટા પાડ્યાં

હાથમાં બેનરો પકડાવી પોલીસે ફોટા પડાવ્યાં

હાથમાં બેનરો પકડાવી પોલીસે ફોટા પડાવ્યાં

સુરત/પાલનપુરઃ લોકડાઉનનું જાહેરનામું છતાં લોકો રવિવાર રાતથી જ બહાર નીકળી પડ્યાં હતાં. સોમવારે પણ ઠેર ઠેર એવો જ માહોલ સર્જાયો હતો. પોલીસે અટકાવતાં જીભાજોડી પણ થઈ હોવાના દ્રશ્યો સર્જાયા હતાં. પોલીસે લોકોને સમજાવવા નવતર પ્રયોગ કર્યો હતો. સુરત અને પાલનપુરમાં પોલીસે આવા લોકોને ‘હું સમાજનો દુશ્મન છું’ તેવું લખેલાં બેનર પકડાવી ફોટા પાડી તે ફોટા જાહેર કરી તેને સમાજ વિરોધી ઘોષિત કર્યા હતા.

પોલીસે કો’કને ઉઠકબેઠક કરાવી તો કો’કને ફટકાર્યા

પોલીસ મારવા પાછળ દોડી તો ભાગ્યા અને ગબડી પડ્યા

પોલીસ મારવા પાછળ દોડી તો ભાગ્યા અને ગબડી પડ્યા

અમદાવાદઃ રાજ્યમાં 23થી 25 સુધી ત્રણ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, અને શહેરીજનોએ રવિવારની જેમ જ ત્રણ દિવસ ઘરમાં રહેવાનું છે, પરંતુ સોમવારે સવારે કેટલાક લોકો અલગ અલગ બહાના સાથે ઘરની બહાર નીકળી પડ્યા હતા. શરૂઆતમાં પોલીસે તમામને સમજાવવાની કોશિશ કરી હતી, પોલીસવાનમાં માઇકથી લોકડાઉનની જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ લોકોને આ વાત સમજમાં નહીં આવતાં પોલીસે તેમની આગવી રીતે સરભરા કરી હતી.

ઊઠબેસઃ ફરવા નીકળનારનું જાહેરમાં માનભંગ

રાજકોટમાં પોલીસે લોકોને સમજાવવાની કોશિશ કરી, પરંતુ લોકોને આ વાત સમજમાં નહીં આવતાં પોલીસે કેકેવી ચોકમાં વાહનચાલકોને અટકાવીને ઊઠબેસ શરૂ કરાવી હતી.

તડકે શેકાયાઃ તડકો ખાવાની અનોખી સજા કરી

પોલીસે કેટલાક તત્ત્વોને આગવી સ્ટાઇલથી કાયદાનું ભાન કરાવ્યું હતું. રાજકોટમાં કામ વગર રસ્તા પર નીકળેલાને ભર બપોરે તડકામાં ઊભા રાખી સબક શીખવ્યા હતા.

નાસભાગઃ પોલીસથી બચવા માટે ભાગ્યા પણ ગબડી પડ્યા
પોલીસને જોતાં જ રાજકોટમાં બહાર રખડતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી, પોલીસે આવા તત્ત્વોને પકડવા દોડ મૂકી તો આ લોકોએ બચવા માટે મુઠ્ઠી વાળી હતી, ભાગવાની કોશિશમાં કાબૂ ગુમાવ્યો હતો અને નીચે પટકાયો હતો. પટકાયેલા આ શખ્સની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી.

ધોકાવાળીઃ સુરત, રાજકોટમાં લાઠીઓ પડી

સોમવારે સવારે કેટલાક લોકો ઘરની બહાર નીકળી રસ્તા પર ટોળટપ્પા કરતા હતા. ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી અને લોઠીઓ વીંઝવા માંડતા નાસભાગ મચી હતી. સુરતમાંથી સવારમાં જ મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને હીજરત કરી ગયા હતા, પણ સાંજે વાહન શોધતા ફરતા લોકોને પોલીસે લાઠીઓ મારી ભગાડ્યા હતા.