બજરંગવાડીના દરજી પરિવારની છ માસ અને છ દિવસની વય ધરાવતી ફૂલડા જેવી બાળા સાથે આવુ જ કંઇક બની ગયું છે. પરિવાર રામનાથપરાની વાડીમાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. અહીં બાળકીને જે ઘોડીયામાં સુવડાવી હતી તે ઘોડીયા પર મોટુ લાઉડ સ્પીકર પડ્યું હતું. જેમાં બાળકીને ગંભીર ઇજા થતાં તેના પ્રાણ નીકળી ગયા હતા. આ ઘટનાને પગલે લગ્નની ખુશીનો માહોલ માતમમાં પરિણમ્યો હતો. 

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ, બજરંગવાડી વિસ્તારમાં રહેતા અને દરજી કામ કરી ગુજરાન ચલાવતા પરિમલભાઈ નીતિનભાઈ પરમારના કાકાના દીકરા મહેશભાઇના લગ્ન હતા. આ પ્રસંગ માટે રામનાથપરામાં આવેલી મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિની વાડી રાખવામાં આવી હતી. જ્યાં સોમવારે સાંજે દાંડીયા રાસનો કાર્યક્રમ હતો.

પરિમલભાઈ, તેના પત્ની કિર્તીબેન પોતાની છ માસ છ દિવસની વયની પુત્રી હાર્વિ તથા સાત વર્ષના પુત્ર તથા અન્ય કુટુંબીજનો સાથે ગયા હતાં. અહીં માતાએ માસુમ દીકરી હાર્વીને ઘોડીયામાં સુવડાવી હતી. દરમિયાન બહારથી સાઉન્ડ સિસ્ટમ મંગાવી હોઈ તેના માણસો સાઉન્ડનું વાયરીંગ કરી રહ્યા હતાં. તેણે એક સ્પીકરની ઉપર બીજુ મોટુ સ્પીકર રાખતાં એ સ્પીકર અચાનક બાજુના લાકડાના ઘોડીયા પર પડ્યું હતું.

આ મોટું સ્પીકર પડતાં ઘોડીયુ તૂટી ગયું. જેના લીધે ઘોડીયામાં સૂતેલી હાર્વી દબાઈ જતાં તેને ગંભીર ઈજા થઈ હતી. આથી હાર્વિને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ અહીં તબીબે તેણીને મૃત જાહેર કરતાં જ કલ્પાંત સર્જાયો હતો. લગ્નની ખુશી ગમગીનીમાં પરિણમી હતી. એ-ડિવીઝનના પીએસઆઇ જે. ડી. વસાવા અને કમલેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

Contribute Your Support by Sharing this News: