રશિયાના મોસ્કો ઍરપૉર્ટ ખાતે એક મુસાફર વિમાને આપાતકાલીન ઉતરાણ કર્યું હતું, દરમિયાન તેમાં આગ લાગી ગઈ હતી. સત્તાવાર અહેવાલો પ્રમાણે, આ આગને કારણે 41 મુસાફરોનાં મૃત્યુ થયાં છે.તપાસકર્તાઓના જણાવ્યા પ્રમાણે, વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 78 મુસાફરો સવાર હતા, જેમાંથી માત્ર 37 જ બચ્યા છે.રશિયાની સરકારી ઍરલાઇન્સ કંપની ‘ઍરોફ્લૉટ’ના કહેવા પ્રમાણે, ‘ટેકનિકલ કારણોસર’ આ વિમાન ઉડ્ડયન બાદ ઍરપૉર્ટ પરત ફર્યું હતું.જોકે, કેવા પ્રકારની ટેકનિકલ ખામી ઊભી થઈ હતી, તે અંગે કંપનીએ સત્તાવાર રીતે કશું નથી જણાવ્યું.સોશિયલ મીડિયા ઉપર વહેતાં થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આપાતકાલીન દ્વાર મારફત મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે વિમાન ઉતરાણ કરી રહ્યું હતું ત્યારે તેમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો હતો. અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાન ઉછળી રહ્યું હતું.આ વિમાન સુખોઈ સુપરજેટ-100 હોવાનું કહેવાય છે, જે મૉસ્કોના શેરેમેત્યેવો ઍરપૉર્ટથી મરમાંસ્ક જઈ રહ્યું હતું.વિમાન જ્યારે રનવે ઉપર ઊતરી રહ્યું હતું ત્યારે તેના એંજિનમાં આગ લાગી ગઈ હતી.

Contribute Your Support by Sharing this News: