દરરોજ 800 સિલિન્ડર રિફિલ થશે, પંથકની જનતામાં ખુશીનો માહોલ
કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે આજે વડગામના છાપી પીએચસી ખાતે 13 કે.એલ ક્ષમતા વાળા ઓક્સિજન રીફલિંગ પ્લાન્ટનું લોકાર્પણ વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ.
કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઓક્સિજન માટે અનેક લોકોએ હોસ્પિટલમાં વલખાં માર્યા હતા ત્યારે કોરોનાની ત્રીજી લહેરની પણ શક્યતા સેવાઈ રહી છે. એવામાં આજે વડગામ તાલુકાના છાપી પીએચસી ખાતે 13 કે.એલ.ની ક્ષમતા સાથેના ઓક્સિજન રિફીલિંગ પ્લાન્ટનું લોકાર્પણ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અનેક સમાજના આગેવાનોની ઉપસ્થિતમાં કર્યુ હતુ. જેમાં આ પ્લાન્ટ થકી દરરોજ 800 સિલિન્ડર રિફિલ થશે. જેના કારણે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વડગામ સહિત જિલ્લાને સરળતાથી ઓક્સિજન મળી રહેશે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે જિલ્લા સહિત વડગામ તાલુકાના અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો જ્યારે જિલ્લામાં ઓક્સિજનની યોગ્ય વ્યવસ્થાના અભારે લોકોને ઓક્સિજન માટે દરદર ભટકવું પડ્યું હતું. જોકે હવે છાપીમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરતાં સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને ધારાસભ્યનો આભાર માન્યો હતો.