મહેસાણા શહેરમાં ગંભીર હદે વધી રહેલા કોરોના સંક્રમણની ચેઈન તોડવા જાહેર કરાયેલા ૧૧ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનને લઈને ગુરુવારે પ્રથમ દિવસે શહેરનાં બજારો સંપૂર્ણ બંધ રહ્યાં

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા શહેરમાં ગંભીર હદે વધી રહેલા કોરોના સંક્રમણની ચેઈન તોડવા જાહેર કરાયેલા ૧૧ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનને લઈને ગુરુવારે પ્રથમ દિવસે શહેરનાં બજારો સંપૂર્ણ બંધ રહ્યાં હતાં. જો કે, કેટલાક લોકો વાહનો લઈને બજારમાં ફરતા કે શેરી-મહોલ્લામાં ટોળે વળેલા પણ જોવા મળ્યા હતા.

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ ગંભીર હદે ફેલાઈ રહ્યું છે. રોજે રોજ મોટી સંખ્યામાં નવા કોરોના સંક્રમિતો ઉમેરાઈ રહ્યા છે અને સારવાર માટેની સુવિધાઓ પણ ખૂટી પડી છે, લોકોના જીવન પર સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે પરિસ્થિતિ હજુ વધુ વિકટ બને તે પહેલાં કોરોના સંક્રમણની ચેઈન તોડવાના પ્રયાસ રૂપે જિલ્લાનાં વિવિધ શહેરોના વેપારીઓએ પોતપોતાની રીતે સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયો જાહેર કર્યા છે. જે મુજબ મહેસાણા શહેરનાં વિવિધ વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે તંત્રની મળેલી બેઠકમાં ૨૨ એપ્રિલથી ૨ મે સુધી મહેસાણા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આવશ્યક સેવા સિવાયના નાના-મોટા તમામ ધંધારોજગાર, મોલ વગેરે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

જે મુજબ ગુરુવારે મહેસાણા શહેરના વેપારીઓએ તમામ નાના-મોટા ધંધારોજગાર બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉનમાં સમર્થન આપ્યું હતું. જેના કારણે બજારમાં ટ્રાફિક અને લોકોની ભીડ થઈ નહોતી. શહેરનાં બજારો સંપૂર્ણ બંધ રહેતાં બુધવારે લોકો ખરીદી માટે ઉમટી પડતાં જે માર્ગો ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો તે માર્ગો પણ ગુરુવારે સુમસામ બની ગયા હતા. જો કે, કેટલાક લોકો હજુ પણ ગંભીરતા સમજતા ન હોય તેમ બજારમાં વાહનો લઈને ફરતા તેમજ શેરી-મહોલ્લા કે સોસાયટીઓમાં ભેગા થઈને ફરતા કે બેસેલા જોવા મળ્યા હતા. આવા લોકોએ પણ સમયની ગંભીરતા પારખી સ્વયંભુ શિસ્ત કેળવવી જરૂરી બની છે.

ગંજબજારના શાકમાર્કેટના વેપારીઓ શહેર બહારના સ્થળેથી કામગીરી કરશે

મહેસાણા ગંજબજારમાં ઉત્તર ગુજરાતના હબ સમાન શાકમાર્કેટ અને ફ્રૂટમાર્કેટ આવેલું છે. જ્યાં છૂટક વેપાર પણ થતા હોય છે. જેના કારણે ગુરુવારે શહેરમાં સંપૂર્ણ લોકડાઉન વચ્ચે પણ સવારે આ શાકમાર્કેટમાં શહેરીજનો સહિતની ભીડ જોવા મળી હતી. જેથી પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, કારોબારી ચેરમેન કૌશિકભાઈ વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ, મુકુંદભાઈ પટેલ, ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ સહિતે શાકભાજી અને ફ્રુટના વેપારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં શુક્રવારે સવારે ૧૧ વાગ્યા બાદ અહીં છૂટક શાકભાજી-ફ્રુટ માર્કેટ બંધ કરવાનું નક્કી કરાયું હતું તેમજ જથ્થાબંધના વેપારીઓ પણ શહેર બહાર કોઈ જગ્યા નક્કી કરીને શનિવારે ત્યાંથી જ બારોબાર શહેરના છૂટક ફેરિયા તેમજ બહારના વેપારીઓને માલ સપ્લાય કરશે તેવો નિર્ણય લેવાયો હોવાનું મુકુંદભાઈ પટેલે જણાવ્યું હતું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.