આઈએએસ અલપન બંદોપાધ્યાયે કેન્દ્રમાં બદલી થવાના વિવાદ વચ્ચે રીટાયરમેન્ટ લઈ લીધુ છે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયની ઘોષણા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું હતું કે, આજે નિવૃત્ત થયેલા મુખ્ય સચિવ આગામી ત્રણ વર્ષ સુધી તેમના મુખ્ય સલાહકાર તરીકે ચાલુ રહેશે.
બેનર્જીએ અગાઉ વડાપ્રધાનને પત્ર લખીને મુખ્ય સચિવને પાછા બોલાવવાના કેન્દ્રના આદેશને રદ કરવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે તેમની સરકાર ઉચ્ચ અધીકારીને ‘કાર્યમુક્ત’નહી કરે. મમતાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર કોઈ અધિકારીને રાજ્ય સરકારની સંમતિ વિના ચાર્જ લેવાની ફરજ પાડી શકે નહીં.મુખ્યમંત્રીએ કહ્યું કે તે રાજ્યની તમામ સરકારો, વિપક્ષી નેતાઓ, આઈએએસ-આઈપીએસ, એનજીઓ સાથે મળીને લડવાની અપીલ કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હિટલર સ્ટાલિનની જેમ નિરંકુશ વર્તન કરી રહ્યા છે.
મુખ્ય મંત્રી મમતા બેનર્જી દ્વારા ચક્રવાતી વાવાઝોડા ‘યાસ’ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકને માત્ર 15 મિનિટમાં જ પુરી કરી દેવાના વિવાદના કેટલાક કલાકો બાદ કેન્દ્રએ બંદોપાધ્યાયને દિલ્હી બોલાવવા આદેશ આપ્યો હતો.