ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી વનડેમાં ઈંગ્લેન્ડને હરાવવાની સાથે આઈસીસી ચેમ્પિયનશિપમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. તેણે ઈંગ્લેન્ડને પ્રથમ વનડેમાં પણ પરાજય આપ્યો હતો. આ રીતે યજમાન ટીમે આ સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમને આ જીતથી બે પોઈન્ટ મળ્યા. ભારતીય ટીમે ઈંગ્લેન્ડને પ્રથમ વનડેમાં 32 રનથી હરાવ્યું હતું. બંન્ને ટીમો વચ્ચે ત્રીજી વનડે ગુરૂવારે રમાશે.

ભારતીય ટીમની આ આઈસીસી વનડે ચેમ્પિયનશિપ ( ICC Women’s Championship)માં સતત ચોથો શ્રેણી વિજય છે. ભારતેય ટીમે આ પહેલા 2018માં શ્રીલંકા અને ઈંગ્લેન્ડને 2-1થી પરાજય આપ્યો હતો. જ્યારે આ વર્ષે ભારતે ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝ જીતી હતી.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે ભારતીય બોલરોના નામે રહી હતી. ઝૂલન ગોસ્વામી અને શિખા પાંડેએ ચાર-ચાર વિકેટ લઈને ઈંગ્લેન્ડની મહિલા ટીમે 161 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. પૂનમ યાદવને પણ બે સફળતા મળી હતી. ઈંગ્લેન્ડ તરપથી નતાલી શિવરે સૌથી વધુ 85 રન બનાવ્યા હતા.