વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં પહેલી વાર અંબાજી અને એની આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં લઈને આવકારદાયક પહેલ કરતાં માંસ, મટન, ઈંડાંની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, પરંતુ મેળા દરમ્યાન અંબાજી હાઇવે પર ડાન્સ કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મુકાયો છે.બનાસકાંઠાના અધિક જિલ્લા મૅજિસ્ટ્રેટ એલ. બી. બાંભણિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાદરવી પૂનમના મેળા દરમ્યાન આવું પહેલી વાર બનશે કે અંબાજી અને એની આસપાસના વિસ્તારમાં માંસ, મટન, ઈંડાંની લારીઓ મૂકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સંસ્કૃતિ વિરુદ્ધના ડાન્સ, વલ્ગારિટી પ્રકારના ડાન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.’બનાસકાંઠાના અધિક જિલ્લા મૅજિસ્ટ્રેટ એલ. બી. બાંભણિયાએ પ્રતિબંધ ફરમાવ્યો છે કે અંબાજી ખાતે ૮થી ૧૪ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનારા ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી ભાવિક ભક્તોની લાગણી ન દુભાય એને ધ્યાનમાં રાખી અંબાજી અને એની આજુબાજુના પાંચ કિલોમીટરના વિસ્તારમાં જાનવરોની કતલ કરવા, જાનવરોના મડદા સાફ કરવા, દુર્ગંધ મારતી વસ્તુઓ, માંસ, મટન તેમ જ ઈંડાંની લારીઓ મૂકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ૮થી ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળા દરમ્યાન પાલનપુરથી દાંતા અંબાજી હાઇવે, સતલાસણા – દાંતા – અંબાજી હાઇવે, માંકડ ચંપા – હડાદ – અંબાજી રોડ વગેરે માર્ગો પર કોઈ ઇસમ કે સેવા કૅમ્પના આયોજકો દ્વારા કૅમ્પની અંદર, આગળ કે રોડ પર ડાન્સ કાર્યક્રમોનું આયોજન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.