પાછલા કેટલાક વર્ષોમાં કેનેડા સરકારે પોતાના ત્યાં પરદેશી નાગરિકો અને તેમાં પણ યુવાનોને આમંત્રણ આપવાનો જે પ્લાન બનાવ્યો હતો તેમાં ખાસ્સી સફળતા મળી છે, અમેરિકાના વિઝાના કડક નિયમો અને વિઝા પાસ થવાની શક્યતાઓ ઘટતા યુવાનો કેનેડાને સારી તક તરીકે જોઈને તે તરફ જઈ રહ્યા છે. એ મહત્વનું છે કે કેનેડામાં પાછલા 5 વર્ષમાં રિવર્સ ટ્રેન્ડ પણ શરુ થયો છે પરંતુ આજે આપણે વાત કરવાની છે કે ભણવા માટે સારો દેશ કયો માનવામાં આવે છે. ઘણાં યુવાનો છે કે જેઓ કેનેડા જવું કે અમેરિકા તેની મુઝવણ અનુભવી રહ્યા છે. ભારતમાંથી હજારોની સંખ્યામાં યુવાનો કેનેડા અને અમેરિકામાં ભણવા માટે જઈ રહ્યા છે પરંતુ અહીં મુદ્દાને ગુજરાતી યુવાનોના સંદર્ભમાં સીમિત રાખીને કેટલાક મહત્વના મુદ્દે વાત કરવાની છે.
કેનેડા જવાય કે અમેરિકા તે નિર્ણય પાછળ કેટલાક મુદ્દાઓ પણ સંકળાયેલા છે કે જેમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ભણવા માટે જતા યુવાનોમાં એક વિચાર ડૉલર કમાવાનો પણ રહેતો હોય છે. જેમાં કેનેડા હાલ નોકરીનીઓની અછત અને મોઘવારીના કારણે ચર્ચામાં છે. બીજી તરફ અમેરિકામાં પણ નોકરી શોધવામાં યુવાનોને ખાસ્સી મુશ્કેલીઓ પડી રહી છે જેમાં ઘણાં યુવાનોએ પોતાની ઈચ્છા ન હોય તેવા કામો પણ કરવા પડે છે અથવા તેમની સાથે શોષણ થતું હોય છે.