બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે ફરી એકવાર તીડની આકાશી આફત આવી પહોંચી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તાર બાદ દિયોદર અને હવે જૂના ડીસામાં પણ તીડના ઝુંડ આવી પહોંચતા ખેડૂતોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખેડૂતોના પાકોને ભારે નુકસાનની ભીતિ વચ્ચે ગ્રામ પંચાયત દ્વારા તીડના ઝુંડને રોકવા માટે દવા છંટકાવની કામગીરી શરૂ કરાઇ છે.
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસ નામની મહામારી ચાલી રહી છે. જેને પગલે સરકારે લાંબા સમયથી લોકડાઉન પણ કરી દીધું છે. જેના પગલે ધંધા રોજગાર બંધ થઇ જતાં લોકોને ભારે મુશ્કેલી ભોગવવાનો પણ વારો આવ્યો છે. તેમાં ખેડૂતોની હાલત પણ આવા કપરા સમયમાં ભારે કફોડી બની હતી. ખેડૂતોના પાકો પણ વેચાણ ન થતાં અને એવા સમયે વરસાદ તેમજ વાવાઝોડું સહિતની આકાશી આફત પણ ખેડૂતોના માથે આવી જ પડતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. દરમિયાન હવે બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વાર તીડના ઝૂંડ આવી પહોંચતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર બાદ દિયોદર અને હવે આજે જિલ્લાના જૂના ડીસા ખાતે પણ તીડના ઝુંડ ત્રાટક્યા હતા. જેને પગલે જૂના ડીસાના ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા હતા. ખેડૂતોને લાખોનું નુકસાન થાય તેવી ભીતી વચ્ચે આજે તીડના આક્રમણને રોકવા વિસ્તરણ અધિકારી તેમજ જૂના ડીસા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિતનો કાફલો ખેતરોમાં પહોંચી દવાના છંટકાવની કામગીરી શરૂ કરી હતી. આમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માથે હવે વધુ એક આફત આવી પહોંચી છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: